વડા પ્રધાન મોદીના જન્મદિનથી ભાજપનું સેવા ઔર સમર્પણ અભિયાન

વડા પ્રધાન મોદીના જન્મદિનથી ભાજપનું સેવા ઔર સમર્પણ અભિયાન
14 કરોડ રૅશનબેગ, 71 સ્થળે નદીની સફાઈ સહિતના કાર્યક્રમો
નવી દિલ્હી, તા. 11 : ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન (17 સપ્ટેમ્બર) અને નેતા તરીકે જાહેર જીવનનાં 20 વર્ષ (7 અૉક્ટોબર 2001-પ્રથમવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા)ની ઉજવણીની જોરદાર તૈયારી શરૂ કરી છે. ત્રણ અઠવાડિયાંના આ `સેવા ઔર સમર્પણ અભિયાન'નો પ્રારંભ 17 સપ્ટેમ્બરથી થશે. મોદીજીની તસવીર સાથેની 14 કરોડ રૅશનબેગ, થૅન્કયુ મોદીજી લખેલા પાંચ કરોડ પૉસ્ટકાર્ડ, 71 જેટલાં સ્થળે નદીઓની સાફસફાઈ, વૅક્સિનેશન કાર્યક્રમ તથા વડા પ્રધાનનાં જીવન અને કાર્યને પ્રદર્શિત કરતા પ્રદર્શન તથા સેમિનાર અંગે સોશિયલ મીડિયા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ આ કાર્યક્રમમાં આવરી લેવાઈ છે.
2014ની લોકસભાની ચૂંટણી પછી મોદીજી ભાજપના લગભગ તમામ મુખ્ય રાજકીય અભિયાનોની ધરી અને ચહેરો રહ્યા છે.
અગાઉ તેમનો જન્મદિન `સેવા સપ્તાહ' તરીકે ઊજવાયો છે, પરંતુ આ વર્ષના `સેવા ઔર સમર્પણ અભિયાન'નો ઉદ્દેશ આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી મહત્ત્વની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષની છબીને મજબૂત કરવાનો છે. કોવિડ-19ની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે અને 70 કરોડથી વધુ લોકોને વૅક્સિનનો ઓછામાં ઓછો એક ડૉઝ મળી ગયો છે. આ પ્રકારના અભિયાનથી પક્ષની છબી મજબૂત થશે એવી ભાજપને આશા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્ય પ્રભારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સામે આ અભિયાનની રૂપરેખા રજૂ કરી હતી. અરુણ સિંહ પોતે આ અભિયાન પર દેખરેખ રાખશે. અભિયાનની કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ આ મુજબ છે.
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજના વિતરણ માટે વડા પ્રધાનનો આભાર માનતી, તેમની તસવીરો સાથેની 14 કરોડ બેગ વિતરણ કરવાનું લક્ષ્ય (2.16 કરોડ બેગ ભાજપની રાજ્ય સરકારો દ્વારા વિતરિત કરાઈ છે.)
મહામારી દરમિયાન વડા પ્રધાનની મદદ મેળવનારા લાભાર્થીઓના આભાર પ્રદર્શિત કરતા વીડિયો -ગરીબોં કે મસીહા મોદીજી હૈ. ગરીબોના કલ્યાણમાં યોગદાન માટે પાંચ કરોડ `થૅન્ક્યુ મોદીજી' પૉસ્ટકાર્ડ સીધા વડા પ્રધાનને મોકલવા.
71 સ્થળે નદીઓની સફાઈનો કાર્યક્રમ. વૅક્સિન મેળવનારા લોકો દ્વારા વૅક્સિનેશન માટે વડા પ્રધાનને ધન્યવાદ આપતા વીડિયો
વડા પ્રધાનનાં જીવન અને કાર્ય પર વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓઁને સામેલ કરતી મિટિંગો અને સેમિનાર આ ઉપરાંત તબીબી શિબિરો, રક્તદાન શિબિરો, વૃદ્ધાશ્રમોમાં અન્ન વિતરણ વગેરે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 
આ સમયગાળામાં મહાત્મા ગાંધી અને દીન દયાળ ઉપાધ્યાયની જન્મજયંતી પણ હોવાથી પાર્ટી કાર્યકરોને પોતપોતાના મતવિસ્તારમાં રચનાત્મક કાર્યોનું આયોજન કરવા કહેવાયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer