મનસુખની હત્યા માટે વાઝેએ આઈઈએમઆઈ નંબર વગરના મોબાઇલ મગાવ્યા હતા

મનસુખની હત્યા માટે વાઝેએ આઈઈએમઆઈ નંબર વગરના મોબાઇલ મગાવ્યા હતા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : દરેક મોબાઇલ ફોનમાં આઇઇએમઆઈ નંબર હોય છે. આ નંબરથી મોબાઇલમાંનો સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ થયેલો છે તે પકડી શકાય છે. આ ઉપરાંત આ નંબર એ મોબાઇલ નંબરનું વર્તમાન સ્થળ પણ બતાવે છે એટલે કે એના પરથી એ શોધી શકાય છે કે, મોબાઇલ ધારક કઈ જગ્યાએ છે. આ નંબરથી પોલીસને કોઈ પણ આરોપીને પકડવામાં સરળતા પડે છે. મનસુખ હિરેન હત્યામાં પોતાના કાવતરાંમાં સામેલ અન્ય આરોપીઓની ઓળખ અને તેમના લોકેશનને છુપાવવા સચીન વાઝેએ આઇઇએમઆઇ નંબર વગરના મોબાઇલ નંબર મગાવ્યા હતા. મનસુખ હિરેનની ત્રણ માર્ચના પૂછપરછ કરનારા મુંબઈ ક્રાઇમ બ્રાંચના એસપીએ આ વાતનો ખુલાસો એનઆઈએ સમક્ષ કર્યો હતો.
4 માર્ચની રાતે મનસુખની હત્યા કરી દેવામાં આવી હતી. પાંચ માર્ચના તેની લાશ મળી હતી. આ એસપીના જણાવ્યા મુજબ તેઓ જ્યારે સચીન વાઝેની કેબિનમાં મનસુખની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં આવી હતી અને તેણે વાઝેને ઘણા મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે તે બધા આઇએમઆઇ નંબર વગરના છે. ત્યારે વાઝેએ મનસુખનો તે વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો અને તે વ્યક્તિને જણાવ્યું હતું કે, મનસુખને થાણેમાં કેટલાક પત્રકારો સાથે મુલાકાત કરાવો અને મીડિયામાં એવા સમાચાર ચલાવો કે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછને કારણે મનસુખ ભારે તાણમાં છે. વાઝેએ આવી ભૂમિકા એટલા માટે તૈયાર કરાવી હતી કે જ્યારે તે મનસુખની હત્યા કરાવે ત્યારે આત્મહત્યાની વાતને આગળ ચલાવી શકાય. સચીન વાઝેએ 5 માર્ચના ઉદ્ધવ ઠાકરેને પણ આત્મહત્યાની વાર્તા સંભળાવી હતી.
એએસપીનું કહેવું છે કે, તેને સચીન વાઝેના કાવતરાનો જરાપણ ખ્યાલ નહોતો. એસપીએ 3 માર્ચના સચીન વાઝેની કેબિનમાં મનસુખની જ્યારે પૂછપરછ કરી તો તેણે કહ્યંy હતું કે, તેની સ્કૉર્પિયો ગાડીમાં 17 ફેબ્રુઆરીના મૅકેનિકલ ખામી ઊભી થઈ હતી અને તેણે એ ગાડી ઈસ્ટર્ન એક્પ્રેસ વે પર ઊભી રાખી ટેક્સી કરીને મુંબઈ આવ્યો હતો.
એસપીએ જ્યારે તેને પૂછયું કે તે શા માટે મુંબઈ આવ્યો હતો ત્યારે મનસુખે તેને જણાવ્યું હતું કે, તેને લૅમિંગ્ટન રોડ ખાતે અૉટો પાર્ટ્સના વિક્રેતાને મળવું હતું એટલે  તે મુંબઈ આવ્યો હતો. પરંતુ હકીકત એ હતી કે, 17 ફેબ્રુઆરીના સચીન વાઝેને એ ગાડીની ચાવી આપવા જીપીઓ પાસે આવ્યો હતો. એસપીની પૂછપરછમાં મનસુખે જણાવ્યું હતું કે તે પોતાના સાથીની ગાડીમાં બેસીને થાણે ગયો હતો. તેને જ્યારે તેની ગાડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, તે સાથીદાર સાથે વાતોમાં મગ્ન હોવાથી ગાડીની તપાસ કરવાનું ભૂલી ગયો હતો ત્યારે વાઝેએ એસપીને ટોક્યો હતો અને કહ્યું હતું કે આવા સવાલ પૂછવાનો કોઈ અર્થ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer