સંગઠન સાથે કોઈ તકરાર નથી

સંગઠન સાથે કોઈ તકરાર નથી
ગુજરાતની જનતા અને પક્ષને આભારી રહીશ : વિજય રૂપાણી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : રાજભવન ખાતે આપેલા રાજીનામાના પત્રમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમના જેવા એક કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ હતી. મુખ્યમંત્રી તરીકે મળેલી ફરજને નિભાવતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર વિકાસ અને સર્વોજન કલ્યાણના રસ્તા પર આગળ વધતા નવા આયામો સર કર્યા છે. ગુજરાતના વિકાસની આ યાત્રા પ્રધાનમંત્રીના નેતત્વમાં નવા ઉત્સાહની સાથે આગળ વધવી જોઇએ, આ ધ્યાનમાં રાખીને જ મેં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું  આપ્યું છે. 
પત્રમાં તેમણે લખ્યું છે કે આ અમારી પાર્ટીની વિશેષતા છે કે જે કાર્ય પાર્ટી દ્વારા આપવામાં આવે છે તે કાર્ય પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ સારી રીતે કરે છે. મુખ્યમંત્રી તરીકે મેં કાર્ય કર્યા પછી હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જાની સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે પાર્ટી દ્વારા મને જે પણ જવાબદારી મળશે તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને ઉર્જાની સાથે નિભાવીશ. તેમણે કહ્યું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું.   પાંચ વર્ષમાં થયેલી ચૂંટણીમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટી અને સરકારને ખૂબ જ સહયોગ અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભાજપની તાકાત બની છે.  
કોરોનાના આ મુશ્કેલીના સમયમાં અમારી સરકારે દિવસ રાત મહેનત કરીને ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત રસીકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. અમે તેમાં નવા કીર્તિમાન સ્થાપિત પણ કર્યા છે તેનો મને ગર્વ છે. પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી મને પ્રશાસનિક વિષયોમાં નવા અનુભવો જાણવાનો -સમજવાનો અવસર મળ્યો છે. 
અમે બધા વડાપ્રધાનના નેતૃત્વમાં જ ચૂંટણી લડીએ છીએ, વિજય રૂપાણીના નેતૃત્વનો સવાલ નથી. મોદીજીના નેતૃત્વમાં ભાજપ અન્ય રાજ્યો અને ગુજરાતમાં ચૂંટણી લડશે છે. આ વખતે અમારી પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે. તેને નેતૃત્વમાં અમે ચૂંટણી લડીશું. સંગઠનની સાથે મારે કોઈ તકરાર નથી. હું સંગઠનમાંથી મોટો થયેલો અને આગળ વધતો કાર્યકર્તા છું. સંગઠન મારે માટે સર્વોપરી છે. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી અમે તેમના નેતૃત્વમાં  ચૂંટણીઓ લડી છે અને જીતી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer