મહિલાઓ માટે જોખમી સ્થળોએ પહેરો વધારવામાં આવે

મહિલાઓ માટે જોખમી સ્થળોએ પહેરો વધારવામાં આવે
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોલીસ અધિકારીઓને આપી સૂચનાઓ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં સાકીનાકા ખાતે દિલ્હીની `નિર્ભયા' જેવી બળાત્કાર અને હત્યાની ઘટના પછી ડેમેજ કંટ્રોલ માટે મહાવિકાસ આઘાડી સરકાર સક્રિય બની છે. પાટનગર દિલ્હીમાં `િનર્ભયા' ઘટના પછી કૉંગ્રેસની તત્કાલીન મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતની સરકાર વિરુદ્ધ તીવ્ર નારાજગીનું મોજું ફરી વળ્યું હતું, `આઘાડી' સરકાર તે સ્થિતિ નિવારવા સક્રિય થઈ છે. મુખ્ય પ્રધાને આજે ટોચના પોલીસ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને તપાસ માટે `સીટ'ની રચના કરીને એક માસમાં અહેવાલ આપવાની સૂચના આપી છે. ઉપરાંત આ ખટલો ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવશે એવી જાહેરાત પણ થઈ છે. મુખ્ય પ્રધાને ટોચના પોલીસ અધિકારીઓને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નિવારવા માટે કેટલાંક પગલાં ભરવાનું પણ સૂચવ્યું છે. મહિલાઓની અવર જવર હોય એવા વિસ્તારો ધ્યાનમાં લઇને પોલીસે તે વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરવું. 
મહિલાઓ પર હુમલાઓ થઇ શકે અથવા તેમની સુરક્ષાનો સવાલ ઉદ્ભવી શકે એવા શહેરના હોટસ્પોટ નિશ્ચિત કરીને ત્યાં પેટ્રોલિંગ વધારી દેવુ.
પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં મહિલા અધિકારીનો સમાવેશ હોય એવી નિર્ભયા ટીમની સ્થાપના કરીને હોટસ્પોટ પર તે ટીમે દિવસ રાત સમયાંતરે મુલાકાત લેવી. 
સ્વયંસેવી સંસ્થાઓની મદદથી નિરાશ્રિત તથા એકલી મહિલાઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાવવું તથા આવા વિસ્તારો પર પોલીસે બારીક નજર રાખવી. 
મહિલા પર લૈંગિક અત્યાચારના ગુના હેઠળ તેમ જ શંકાસ્પદ ગુનેગારો પર નજર રાખવી.
ગુનો ઉકેલવામાં સીસીટીવીની ભૂમિકા મહત્વની હોય છે. તેથી બીજા તબક્કામાં કેમેરા શહેરમાં બાકીના મહત્વના ઠેકાણે બેસાડવાની કાર્યવાહી તાકિદે શરૂ કરવામાં આવે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer