બીલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિવાદના ઝડપી ઉકેલ માટે મહારેરાની નવી માર્ગદર્શિકા

બીલ્ડરો અને ગ્રાહકો વચ્ચેના વિવાદના ઝડપી ઉકેલ માટે મહારેરાની નવી માર્ગદર્શિકા
મુંબઈ, તા. 11 : બીલ્ડરો અને ઘર ખરીદનારાઓ વચ્ચે થતાં વિવાદનો ઝડપી ઉકેલ લાવવા મહારેરાના સેક્રેટરીએ ફરિયાદોની સુનાવણી માટે નવી માર્ગદર્શિકાઓ બહાર પાડી છે.
બુધવારે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મહારેરામાં સુનાવણી થતી હોય ત્યારે પક્ષકારોને બેથી વધુ વખત સુનાવણીની મોકુફીથી છૂટ આપવામાં આવશે નહિ અને આવી મોકુફી માટે વકીલ અન્ય કેસ લડી રહ્યો છે એવા બહાના ચલાવી લેવામાં આવશે નહિ.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સુનાવણી વારંવાર મોકુફ રહેતી હોવાથી તેમાં વિલંબ થતો હોય છે. આ સામેની નવી માર્ગદર્શિકાઓ તત્કાળ અમલી બનશે.
એક એવો નિયમ હતો કે ફરિયાદોનો નિકાલ એક સપ્તાહમાં થઈ જવો જોઇએ જોકે આવું બનતુ નથી. આ હુકમથી અગાઉના કેસોના ભરાવાનો નિકાલ થશે, એમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન ઍન્ડ ડેવલપમેન્ટ) રૂલ્સ 2017ના નિયમ 6 હેઠળ ફરિયાદોના નિકાલની પ્રક્રિયા અને ફરિયાદોની તપાસની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે.
પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, નિયમ 6 હોવા છતાં વિવાદોનો ઝડપી ઉકેલ આવતો નથી. 
એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ મહામારી વચ્ચે ફરિયાદોની સુનાવણીની પદ્ધતિમાં સુધારો કરવાની જરૂર વર્તાઈ છે એટલે મોકુફી અને દસ્તાવેજો સુપરત કરવાની બાબતમાં પ્રક્રિયા ઘડી કાઢવાની મહારેરાને જરૂર વર્તાઈ છે.
પરિપત્રમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઈ પણ પક્ષકારને બેથી વધુ વખત સુનાવણી મોકુફીની છૂટ આપવામાં આવશે નહિ. સિવાય કે કોઈ પક્ષકારનો સંજોગો પર કોઈ અંકુશ ન હોય. વકીલ અન્ય કોર્ટમાં વ્યસ્ત છે એવું બહાનું પણ ચાલશે નહીં અને સુનાવણી મોકુફી માટે તે કોઈ આધાર ગણાશે નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer