જોકોવિચ યુએસ ઓપનની ફાઇનલમાં : ગ્રાન્ડ સ્લેમથી એક જીત દૂર

જોકોવિચ યુએસ ઓપનની ફાઇનલમાં : ગ્રાન્ડ સ્લેમથી એક જીત દૂર
આજે ફાઇનલમાં મેદવેદેવ સામે આખરી જંગ
ન્યુયોર્ક, તા. 11: સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એલેક્ઝાન્ડર જ્વેરેવ સામે પાછળ રહી ગયા બાદ વાપસી કરીને શાનદાર જીત સાથે યુએસ ઓપનના પુરુષ એકલ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે જોકોવિચ કેલેન્ડર ગ્રાન્ડ સ્લેમથી માત્ર એક જીત દૂર છે.
શીર્ષ રેન્કિંગના ખેલાડી જોકોવિચે ફ્લશિંગ મિડોઝ ઉપર જ્વેરેવને પાંચ સેટ સુધી ચાલેલા મુકાબલામાં 4-6, 6-2,6-4,4-6,6-2થી હરાવ્યો હતો. જેનાથી વર્તમાન સત્રમાં મેજર ચેમ્પિયનશિપમાં જીતનો રેકોર્ડ 27-0 થયો છે. હવે તે 1969 બાદ કેલેન્ડર ગ્રાન્ડ સ્લેમ બનાનારા પહેલા ખેલાડીથી માત્ર એક કદમ દૂર છે. રોડ લીવરે 52 વર્ષ પહેલા એક સત્રના ચારેય ગ્રાન્ડ સ્લેમ જીત્યા હતા જ્યારે સ્ટેફી ગ્રાફ 1988માં તમામ ગ્રાન્ડ સ્લેમ જીતનારી મહિલા બની હતી. લિવર 1962માં પણ રેકોર્ડ બનાવી ચૂક્યો હતો. 
જોકોવિચ ખિતાબ જીતી લેશે તો આ તેનો રેકોર્ડ 21મો ખિતાબ બનશે. તે વર્તમાન સમયે 20 ખિતાબ સાથે રોજર ફેડરર અને રાફેલ નાડાલની બરાબરીએ છે.
એટીપી રેન્કિંગમાં શીર્ષ સ્થાને સૌથી વધારે અઠવાડિયા સુધી રહેનારો જોકોવિચ હવે રવિવારે દુનિયાના બીજા ક્રમાંકના ખેલાડી ખાનિલ મેદવેદેવ સામે ટકરાશે. જોકોવિચે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન, જૂનમાં ફ્રેન્ચ ઓપન અને જુલાઈમાં વિમ્બલ્ડનમાં જીત મેળવી હતી. જોકોવિચે જ્વેરેવને હરાવીને 31મા ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફેડરરના રેકોર્ડની બરાબરી કરી છે. તે યુએસ ઓપનમાં રેકોર્ડ 9 વખત ફાઇનલમાં પહોંચ્યો છે. જેમાંથી ત્રણ વખત ચેમ્પિયન રહ્યો છે.
બીજી તરફ રશિયાના મેદવેદેવે સેમીફાઇનલમાં કેનેડાના ફેલિક્સ ઓગરને 6-4, 7-5, 6-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં જોકોવિચ સામે હાર્યો હતો અને 2019 અમેરિકી ઓપન ફાઇનલમાં નાડાલને હરાવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer