સાકીનાકામાં મહિલા ઉપર બળાત્કાર બાદ હત્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : સાકીનાકામાં બળાત્કાર અને ગુપ્તાંગમાં લોખંડના સળિયા નાખી ઇજા પહોંચાડવાના બનાવનો ભોગ બનેલી 34 વર્ષની મહિલાનું ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે આરોપી મોહન ચૌહાણ (45) વર્ષના આરોપીની ભારતીય દંડ સંહિતાની કલમ 307, 376, 302 હેઠળ ધરપકડ કરી છે. અદાલતે આરોપીને દસ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી છે. મુંબઇ પોલીસે આ કેસની તપાસ માટે એસઆઇટી(સીટ)ની સ્થાપના કરી છે. જ્યારે આ મામલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કેસને ફાસ્ટ ટ્રેક પર ચલાવવાના આદેશ આપ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2012માં નવી દિલ્હીમાં પણ ચાલતી બસમાં એક યુવતી પર બળાત્કાર બાદ તેની સાથે આ પ્રકારની હેવાનિયત ગુજારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. નિર્ભયા કેસની પુનરાવૃત્તિને પગલે દેશભરમાં રોષ ભભૂકી ઉઠયો છે. વિપક્ષ ભાજપે નરાધમ આરોપીને મૃત્યુદંડની સજા આપવાની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ માગણી કરી છે. 
પોલીસે જણાવ્યું હતું કે મહિલાના ગુપ્તાંગમાં ગંભીર ઇજા થઇ હતી અને ઘટનામાં તેને ખૂબ જ રક્તત્રાવ થયો હતો. શુક્રવારે વહેલી સવારે તેને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. મહિલા સાથે બળાત્કાર બાદ સળિયાથી તેના ગુપ્તાંગ પર હુમલો કરાયા બાદ આરોપીએ તેના પર અનેકવાર ચાકુથી પણ વાર કર્યા હતા. પોલીસને સાકીનાકાના ખૈરાની રોડ પર એક શખસ એક મહિલાની મારપીટ કરી રહ્યો હોવાનો ફોન આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલા લોહીમાં લથબથ હતી ત્યારબાદ તેને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. 
અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રસ્તા કિનારે ઉભા રહેલા એક ટેમ્પોમાં મહિલા પર બળાત્કાર ગુજારાયો હતો અને તેના શરીરના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘૂસાડવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો જપ્ત કર્યો છે, જેમાં લોહીના ડાઘ મળી આવ્યા છે. તેમ જ શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીની સીસીટીવી ફૂટેજ પોલીસે જપ્ત કરી લીધા છે. ફૂટેજમાં આરોપી ટેમ્પોમાંથી ઉતરતો જોવા મળી રહ્યો છે. પોલીસે ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજાવાડી હોસ્પિટલમાં 33 કલાક જીવન - મરણનો જંગ ખેલીને પીડિતાનું આજે મૃત્યુ થયું હતું. 
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ખટલો ચલાવવાનો ઠાકરેનો આદેશ
સાકીનાકામાં મહિલા પર બળાત્કાર બાદ તેનું મૃત્યુ એ માનવતા પર કાળા ડાઘ હોવાનું જણાવી આરોપીને કડક સજા આપવામાં આવશે. આ મામલે મેં રાજ્યના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલ સાથે વાત કરી છે. આ મામલે કેસ ફાસ્ટ ટ્રેક પર ચલાવીને નિંદનીય ઘટના માટે જવાબદાર આરોપીને કડક સજા આપીને પીડિતાને ન્યાય આપવામાં આવશે. મુખ્ય પ્રધાને આ ઘટના અંગે મુંબઇ પોલીસ કમિશનર હેમંત નગરાળે સાથે પણ વાતચીત કરી છે. મુખ્ય પ્રધાને આ કેસમાં તપાસને ગતિ આપવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે સુનાવણી વહેલી તકે થશે અને મૃત્યુ પામનાર પીડિતાને જલ્દી ન્યાય મળશે.  
એસઆઇટીની સ્થાપના, મહિનામાં આરોપનામું ઘડાશે : પોલીસ કમિશનર 
સાકીનાકા બળાત્કાર કેસની તપાસને ગતિ આપવા માટે મુંબઇ પોલીસે એસઆઇટીની સ્થાપના કરી છે અને આગામી એક મહિનામાં કેસનો ઉકેલ લાવીને આ અંગે આરોપનામુ ઘડાશે એમ પોલીસ કમિશનર હેમંત નગરાળેએ જણાવ્યું હતું. આ નિંદનીય ઘટના દસમી સપ્ટેમ્બરે રાતે બની હતી. આ ઘટનાની માહિતી પાસેની ઇમારતના સુરક્ષા રક્ષકે પોલીસ કંટ્રોલ રૂમમાં સવારે 3.20 વાગ્યે આપી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં શનિવારે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. નગરાળેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઠાકરેએ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના આદેશ આપ્યા છે. તે દિશાએ કામ કરાશે અને આ કેસને વેગ આપવા એસઆઇટીની સ્થાપના કરાઇ છે અને એક મહિનામાં આ કેસમાં આરોપનામું દાખલ કરાશે. પીડિતાનું નિવેદન નોંધી શકાયું નથી. આરોપીની ધરપકડ થઇ છે. તેની સામે કલમ 307, 376, 302 હેઠળ ગુનાની નોંધ થઇ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer