ઘાટકોપર સ્ટેશને ત્રણ નવા પુલ અને બે ડૅક બાંધવામાં આવશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : મધ્ય રેલવે ઘાટકોપર સ્ટેશનની ટૂંક સમયમાં કાયપલટ કરશે. ત્યાં પ્રવાસીઓ માટે ત્રણ નવા પુલ, પૂર્વ અને પશ્ચિમમાં બે ડૅક (એક પ્રકારનો એવિવેટેડ પુલ) પણ ઊભા કરાશે. ટુ વ્હીલરોના પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરાશે. આ બાબતે બૅન્ક પાસેથી આર્થિક સહાય લેવામાં આવશે અને લોનના કરાર પર હજી સહીસિક્કા કરવાના બાકી છે. નવેમ્બર મહિનાથી કામનો પ્રારંભ થાય એવી શક્યતા છે. 
ઘાટકોપર સ્ટેશન સાથે મેટ્રો-વન પણ જોડવામાં આવી હોવાથી ત્યાં પ્રવાસીઓની ભીડનું પ્રમાણ વધ્યું છે. અત્યારે ત્યાં ત્રણ પુલ છે અને વચલા પુલની લંબાઈ અને પહોળાઈ સૌથી વધુ છે. ત્રણેય પુલ પર ભારે ગિરદી થતી હોવાથી ગમે ત્યારે દુર્ઘટના સર્જાવવાની શક્યતા પણ સતત વર્તાતી હોય છે. આવું ન થાય એ માટે વધારાના ત્રણ પુલ, ડૅકની યોજના રેલવેએ 2019માં બનાવી હતી. જોકે, શરૂઆતમાં આ યોજનાને વેગ મળ્યો નહોતો અને પછી કોરોનાને કારણે યોજના લટકી પડી હતી. 
જોકે, હવે મુંબઈ રેલ વિકાસ નિગમે આ યોજનાને ધક્કો મારવાનો નિર્ણય કર્યો છે. સીએસએમટી અને કલ્યાણની દિશામાંના બે જૂના પુલના સ્થાને નવા પુલ તૈયાર કરાશે. આ પુલની પહોળાઈ 12 મીટરની હશે. એ સિવાય વધુ એક પુલની જરૂર પણ ઘાટકોપર સ્ટેશનને છે. 
ઘાટકોપર સ્ટેશનના પ્રવાસીઓ માટે 270 મીટર લાંબો અને 10 મીટર પહોળા ડૅક (એક પ્રકારનો ઉન્નત પુલ) પણ તૈયાર કરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer