લૉકડાઉન બાદ ભારતમાં દત્તક લેવાની પ્રવૃત્તિ પાંચ વર્ષમાં સૌથી ઓછી

અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 11 : ગયા વર્ષે કોવિડ લૉકડાઉનને કારણે 2020-21માં ભારતમાં સ્થાનિક કક્ષાએ દત્તક લેવાની પ્રવૃત્તિ પાંચ વર્ષમાં ઓછી રહી હતી એવું સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ અૉથોરિટીના ડેટામાં જણાવવામાં આવ્યું હતું.
2019-20માં 3351 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, આ આંકડો ઘટીને વર્ષ 2020-21માં 3142નો થઈ ગયો હતો જે 2015-16ના 3011 આંકડા બાદ પાંચ વર્ષમાં ઓછો રહ્યો હતો.
મહારાષ્ટ્રમાં એપ્રિલ 2020થી માર્ચ 2021 વચ્ચે 157 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા જે સંખ્યા એપ્રિલ 2019 માર્ચ 2020ની 538ની સંખ્યા કરતાં ઘણી ઓછી રહી હતી. આ આંકડા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના છે.
2013-14માં મહારાષ્ટ્રમાં 1068 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા.
એડોપ્શન એજન્સીઓ અને સીએઆરએ સ્ટીયરિંગ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે ઘણા વાલીઓ દત્તકની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત લૉકડાઉન દરમિયાન આંતરરાજ્ય પ્રવાસ પર પ્રતિબંધ હોવાથી દત્તક લેવાની પ્રવૃત્તિને અસર થઈ હતી.
પુણેની એડોપ્શન એજન્સીના એક સૂત્રે જણાવ્યું હતું કે લૉકડાઉન અને નાણાં તંગીને કારણે ગેરકાયદે દત્તક લેવાની પ્રવૃત્તિ વધી ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોવિડ ત્રાટકયા બાદ સુપ્રીમ કોર્ટે દત્તક કેન્દ્રોને માસ્ક અને સેનિટાઇઝર્સ જેવા કોવિડ સામે રક્ષણ આપતાં સાધનો પૂરા પાડવા આદેશ આપ્યો હતો. પરંતુ આ સાધનો અમને પૂરા પાડવામાં આવ્યા નહોતા. નાણાકીય બોજાના કારણે કોવિડ કાળમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. આ એક કારણ રહ્યું હતું કે અમે દત્તક માટે ઓછી સંખ્યામાં બાળકોને સ્વીકારવાનું નક્કી કર્યું હતું એમ સીએઆરએ સ્ટર્લિંગ સમિતિના સભ્ય અને સ્નેહાંકુર એડોપ્શન સેન્ટરના ડાયરેક્ટર પ્રજાક્તા કુલકર્ણીએ જણાવ્યું હતું.
લૉકડાઉન દરમિયાન દત્તક લેવા ઇચ્છતા વાલીઓ અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવી શકતા નહોતા. આને કારણે દત્તક પ્રવૃત્તિઓને સ્થગિત કરી દેવી પડી હતી.
જટિલ પેપરવર્કને કારણે દત્તક લેવાનું કાર્ય મુશ્કેલ થતું હોય છે. સત્તાવાળાઓએ આ પ્રક્રિયાને સરળ બનાવવી જોઈએ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer