પૂર અને અતિવૃષ્ટિને કારણે મહારાષ્ટ્રમાં 17 લાખ કૃષિ જમીનને અસર

નાગપુર, તા. 11 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે શનિવારે કહ્યું હતું કે આ વર્ષે પૂર અને અતિવૃષ્ટિને કારણે 17 લાખ હેકટર કૃષિ જમીનને અસર થઈ છે અને છેલ્લાં 50 વર્ષનો આ કદાચ રેકોર્ડ હશે. તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્તોને મદદ કરવા સરકાર તમામ પગલાં લઈ રહી છે. 
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ 17 લાખ હેકટર કૃષિ જમીન મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર, કોંકણ અને વિદર્ભના અમુક જિલ્લામાં છે. મેં જિલ્લા કલેકટરોને પંચનામા તૈયાર કરવાની સૂચના આપી છે. 
તેમણે કહ્યું હતું કે પૂર અને અતિવૃષ્ટિમાં મૃત્યુ પામનાર દરેકના પરિવાર રૂપિયા ચાર લાખનું વળતર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ઘરોને નુકસાન થયું છે તેમને પણ વળતર અપાયું છે. એ સિવાય જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ધોરણોના હિસાબે વળતર અપાશે. વળતર વિશેના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ધોરણો છેલ્લાં છ વર્ષથી બદલાયાં નથી. અત્યારના ધોરણ પ્રમાણે પ્રતિ હેકટરે રૂપિયા 6800નું વળતર આપવામાં આવે છે. ખેડૂતોને વધુ વળતર મળે એ માટે અમે કેન્દ્ર સરકારને આ ધોરણોમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer