મીરા-ભાયંદરમાં બીએસયુપી યોજના હેઠળની બિલ્ડિંગમાં સુવિધાઓ વિના નાગરિકો પરેશાન

જીતેશ વોરા તરફથી
ભાઈંદર, તા. 11 : મીરા-ભાયંદર મ્યુનિસિપલ પાલિકાની બીએસયુપી યોજનાના રહેવાસીઓને જે બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે ત્યાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાને કારણે રહેવાસીઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ પ્રશાસન આ રહેવાસીઓની સુવિધાઓ પ્રત્યે ઉપેક્ષા કરી રહ્યા છે. 
કાશીમીરા, જનતા નગર ખાતે બીએસયુપી યોજનાના લાભાર્થીઓને મીરા-ભાયંદર નગરપાલિકા વિસ્તારમાં પાંડુરંગવાડી ખાતે એમએમઆરડીની બિલ્ડિંગમાં કામચલાઉ રહેઠાણ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં લોઢા, માન ઓપસ, એસકે હાઇટ્સની ઇમારતો છે. આ બિલ્ડિંગોમાં વીજપુરવઠો, લિફ્ટના પ્રોબ્લેમ સાથે સફાઈ પણ યોગ્ય રીતે થતી નથી. 
લિફ્ટ મોટા ભાગે બંધ રહે છે જેથી રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આનાથી વરિષ્ઠ નાગરિકો, બાળકો અને દર્દીઓને અસુવિધા થઈ રહી છે. અહીંના લોકોની સમસ્યાઓ અંગે મહાનગરપાલિકા અને લોકપ્રતિનિધિઓને અનેક વખત જણાવ્યા બાદ પણ ઉકેલ આવી રહ્યો નથી. કોન્ટ્રાક્ટર અને તેનો સ્ટાફ કે જેઓ અહીં બિલ્ડિંગની જાળવણી અને સમારકામ કરે છે તે રહેવાસીઓને યોગ્ય સગવડ આપતા નથી, તેથી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને દંડ ફટકારવો જોઈએ એમ ત્યાં રહેનારા લોકોનું કહેવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer