શૅરબજારમાં ઘટાડે લેણની પૉઝિશન વધારતા રહેવું

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નવી ટોચને સ્પર્શયા બાદ અમેરિકાના રોજગારના આંકડાને લીધે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયું હતું. જોકે, સરકારની નીતિઓને ટેકે ઈક્વિટી બજારમાં વૃદ્ધિ થતી રહેશે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, રોકાણકારોમાં આશાવાદ હોવાથી ભારતીય શૅરબજારમાં સકારાત્મકતા છે. ગયા વર્ષે શૅરબજારમાં વધારાનું કારણ લોકોની ખર્ચમાં થતી બચત હતી, પરંતુ આ વર્ષે રોકાણકારો આશાવાદી હોવાથી બજારમાં તેજીનો પવન ફૂંકાયો છે. દિવસેને દિવસે કંપનીઓની વૃદ્ધિ થઈ રહી છે. અૉટોમોબાઈલ ઉદ્યોગમાં સેમીકન્ડક્ટરની અછત છે પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘરોની માગ વધવાની સાથે બુકિંગ પણ વધી છે. વ્યાજદરમાં ઘટાડો અને પરવડે એવા ઘરોની માગ વધવાથી એનબીએફસી અને બૅન્કો પણ હાઉસિંગ ક્ષેત્રમાં લોનની સારી માગ અનુભવી રહ્યા છે. 
ઈન્ફ્રાસ્ટ્રકચર પાછળ ખર્ચ વધતા મેટલના ભાવ વધી રહ્યા છે. તેમ જ સિમેન્ટનો વપરાશ પણ વધ્યો છે. આમ એકંદર પરિસ્થિતિને જોતા કંપનીઓની વૃદ્ધિ થશે એ નિશ્ચિત છે. આમ વધતી માગને લીધે બજારમાં વધારો થઈ રહ્યો છે. 
કૉમોડિટી બજારમાં પણ સપ્લાઈમાં અછતને લીધે ભાવ વધી રહ્યા છે. મેટલ અને એલ્યુમિનિયમમાં સપ્લાઈની અછત છે, જ્યારે સ્ટોક ઓછો થવાથી ઝીન્કના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. બ્રાઝિલમાં હિમવર્ષાને લીધે ખાંડની અછત છે. નૂરભાડાનો ખર્ચ વધતા અને કન્ટેનરની અછતને લીધે કૉફી  અને ચાના ભાવ પણ વધ્યા છે. કૉમોડિટીના ભાવ અપેક્ષા કરતા વધુ થવાનો અંદાજ છે, તેમ છતાં કૉમોડિટીની માગ વધશે અથવા સ્થિર રહેશે. આગળ જતા રોકાણકારોએ કૉમોડિટી ઉપર ચાપતી નજર રાખવી જોઈએ, કારણ કે ફુગાવા ઉપર આની અસર જોવા મળશે. 
ટેક્નિકલ દૃષ્ટિએ નિફ્ટી50 સૂચકાંક ધીમો પડયો છે અને મુખ્ય વધતી રેસિસટન્સ લેવલ નજીક છે. વૈશ્વિક અગ્રણી સૂચકાંકોના આધારે નિફ્ટીમાં ટૂંકા ગાળામાં ઘટી શકે છે. બૅન્ક નિફ્ટી  તેના અગાઉની અૉલ-ટાઈમ હાઈ લેવલની નજીક છે. આ ટ્રેન્ડ તેજીનો દર્શાવે છે અને ટ્રેડર્સે બજારના ઘટાડે લોંગ પોઝિશન લેવી જોઈએ. ઘટાડામાં મુખ્ય સપોર્ટ લેવલ 16,500નો રહેશે. જો બજાર વધે અને 17,400ના લેવલ અને તેની ઉપર પહોંચશે તો આગામી અઠવાડિયે પ્રતિકાર જોવા મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer