નિષ્ફળતા છુપાવવા રૂપાણીનો ભોગ લેવાયો : કૉંગ્રેસ

અમદાવાદ, તા. 11   : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યુ કે, ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે. ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું છે. આનંદીબેન બાદ વિજયભાઈને પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરવા ના દેવાયો. આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો છે.તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ સંદર્ભે કહ્યું કે, વિજયભાઈ જેવા સરળ માણસને અધવચ્ચે રાજીનામુ અપાવ્યું એનું દુ:ખ છે. મોંઘવારી માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જવાબદાર છે. ભાજપની નિષ્ફળતાનો એકરાર આંતરિક તકરારથી છતો થાય છે. નિષ્ફળતા છુપાવવા રાજીનામુ અપાયું છે.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામાથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. ગુજરાતમાં વર્ષ 2014 પછી પ્રથમ વખત મુખ્યપ્રધાન બદલવાની સ્થિતિ અમારા આંદોલન બાદ આવી અને હવે ફરી એકવાર મુખ્યપ્રધાનને જનતાની ભારે નારાજગી બાદ રાજીનામું આપવું પડ્યું. પરંતુ વાસ્તવિક પરિવર્તન આવતા વર્ષે ચૂંટણી પછી આવશે, જ્યારે લોકો ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકશે, એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે  ગુજરાતમાં જે વિજય રૂપાણીની સરકાર ચાલતી હતી તે ડબલ રિમોટથી ચાલતી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer