ગુનાના દરેક સ્થળે અમારી હાજરી શક્ય નથી : આયુક્ત નગરાળે

`પીડિતાનું મૃત્યુ થયું હોવાથી નિવેદન નોંધી શકાયું નથી'
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ શનિવારે સાકીનાક બળાત્કાર-હત્યા કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ મારફતે કરાવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે એક મહિનાની અંદર આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે અને ખટલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે. 
ગણેશોત્સવ ચાલુ હોવા છતાં જે સ્પોટ પર આ ઘટના બની ત્યાં પોલીસ પેટ્રાલિંગ યુનિટની હાજરી કેમ નહોતી એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે પોલીસ આ ઘટનાના સ્થળે માહિતી મળતાં જ દસ મિનિટમાં સ્પોટ પર પહોંચી ગઈ હતી અને પોલીસ ગુનાના દરેક સ્થળે હાજર હોય એ શક્ય નથી. પોલીસને ઘટનાની જાણ થાય ત્યારે જ એ ત્યાં પહોંચે છે અને એ એની શ્રેષ્ઠ યોગ્યતા પ્રમાણે કામ કરતી હોય છે. 
તેમણે કહ્યું હતું કે આ ગુનામાં માત્ર એક જ આરોપીની સંડોવણી હોવાની તપાસમાં જાણ થઈ છે. પીડિત મહિલાનું મૃત્યુ થયું હોવાથી આરોપી સામે હત્યાનો ગુનો પણ દાખલ કરાયો છે. પીડિત મહિલાનું મૃત્યુ થયું હોવાથી અમે તેનું નિવેદન લઈ શક્યા નથી એટલે વાસ્તવિક શું બન્યું હતું એ અમે અત્યારે કહી શકીએ એમ નથી. જોકે તપાસમાં બધું બહાર આવશે. 
શનિવારે સારવાર દરમિયાન પીડિત મહિલાનું ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં કમનસીબે મૃત્યુ થયું છે. તેની અમુક સર્જરી પણ કરાઈ હતી. આ મહિલા ફુટપાથ પર રહેતી હતી અને નાના-મોટા કામ કરતી હતી જ્યારે આરોપી ડ્રાઈવર છે. 
મોહન ચવ્હાણ નામના આરોપીને જજે દસ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. શુક્રવારે આરોપીએ 32 વર્ષની આ મહિલા પર સાકિનાક વિસ્તારમાં એક ટેમ્પોની અંદર બળાત્કાર કર્યો હતો અને મહિલાના ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો.  આ ઘટના 10 તારીકે રાત્રે બની હતી. ચાંદિવલી સ્ટુડિયો પાસેના એક સિક્યોરિટી ગાર્ડે રાત્રે 3.15 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલા ટેમ્પોની અંદર લોહીલુહાણ પડી હતી.  
મહિલાને તાબડતોબ રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પણ વધુ પડતા રક્તસ્રાવને કારણે તેનું 36 કલાકની સારવાર બાદ મૃત્યુ થયું હતું. સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે આરોપીની ઘટનાના અમુક કલાકોની અંદર ધરપકડ કરવામાં આવી હતી. નગરાળેએ જણાવ્યું હતું કે આ પ્રકરણમાં સહાયક પોલીસ આયુક્ત જ્યોત્સના રસમ ઈન્વેસ્ટીગેશન અૉફિસર તરીકે કામગીરી બજાવશે. તપાસ એક માસમાં પૂર્ણ ર્ક્યા પછી ખટલો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
બીજી તરફ રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષા રેખા શર્માએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને મહારાષ્ટ્રના પોલીસ ચીફ સંજય પાંડેને એક પત્ર પણ લખ્યો છે. તેમણે જમ્મુમાં કહ્યું હતું  કે કેસની તપાસ બરાબર નહીં થાય તો પંચના એક મેમ્બરને મુંબઈ મોકલવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer