આગામી ચારથી પાંચ દિવસ ભારે વરસાદ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,તા.11 : ભારતીય હવામાન ખાતાએ મુંબઈ, કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીની આસપાસ ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયા બાદ રવિવારથી મુંબઇ સહિત કોંકણ અને પશ્ચિમી મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. રત્નાગિરિ, સાતારા અને કોલ્હાપુરમાં ઓરેન્જ એલર્ટ તો મુંબઈ, થાણે, વર્ધા, પાલઘર અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં આગામી ત્રણથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ છે.
આવતીકાલે મુંબઇમાં મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 5.8 મિ.મી અને સાંતાક્રુઝમાં 9.6  મિ.મી વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 7.8 મિ.મી અને સાંતાક્રુઝમાં 11.4 મિ.મી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 2119.1 મિ.મી અને સાંતાક્રુઝમાં 2768.6 મિ.મી નોંધાયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer