શરદ પવાર અને વડા પ્રધાન વચ્ચે એક કલાકની બેઠક

શરદ પવાર અને વડા પ્રધાન વચ્ચે એક કલાકની બેઠક
મુલાકાત રાજકીય ન હોવાનો દાવો, પરંતુ અટકળો તેજ
આનંદ કે. વ્યાસ તરફથી 
નવી દિલ્હી, તા. 17 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવાર શનિવારે નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. બન્ને વચ્ચે લગભગ એક કલાક લાંબી માટિંગ ચાલી હતી અને બન્નેએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાનની અૉફિસે બન્ને નેતા ચર્ચા કરતા હોય એવો ફોટો પણ ટ્વીટ કર્યો હતો. માટિંગ માટે શરદ પવારે ઍપોઈન્ટમેન્ટ માગી હતી જે તેમને શનિવાર સવારે મળી હતી. 
પવારે પણ આ માટિંગ વિશે એક ટ્વીટ કરી હતી અને એમાં કહ્યું હતું કે દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો. રાષ્ટ્રહિતના અનેક મુદ્દા વિશે તેમની સાથે ચર્ચા થઈ.
સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર શરૂ થાય એ પહેલા પવાર વડા પ્રધાનને મળ્યા છે. 
નરેન્દ્ર મોદીને મળીને શરદ પવારે ફરી એકવાર પુરવાર કર્યું છે દેશના તમામ પક્ષના નેતા સાથે તેમના સંબંધ ખૂબ જ સારા છે. ગયા મહિને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એવું કહ્યું હતું કે અમે બન્ને ભલે રાજકીય હરીફ છીએ, પણ અમારા બે વચ્ચેના સંબંધો અકબંધ છે.
જોકે, પવારે બેઠકમાં કેન્દ્રના નવરચિત સહકાર મંત્રાલય વિશે ખાસ ચર્ચા કરી હતી. એ ઉપરાંત તેમણે ખેડૂતોના મુદ્દે પણ મોદી સાથે ચર્ચા કરી હતી.  
કેન્દ્રમાં નવા સહકાર મંત્રાલયની તાજેતરમાં સ્થાપના કરાઈ એ પછી શરદ પવારે કેન્દ્રને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે કો-અૉપરેટિવ બૅન્કના અસ્તિત્વ અને એના સ્વરૂપનું સંરક્ષણ જાળવી રાખવાની જરૂર છે. પવારે શનિવારની માટિંગમાં મોદીને કહ્યું હતું કે મેં કો-અૉપરેટિવ બૅન્કો વિશે લખેલા પત્ર અંગે ચર્ચા કરવા વડા પ્રધાનની ઍપોઈન્ટમેન્ટ માગેલી. 
અત્યારે કો-અૉપરેટિવ બૅન્કો પર નજર રાખવાનું કામ રિઝર્વ બૅન્ક કરે છે. સપ્ટેમ્બર 2020માં સંસદે બૅન્કિંગ રેગ્યુલેશન કાયદો પસાર કર્યો કે તરત જ પવારે મોદીને એમ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કો-અૉપરેટિવ બૅન્કોની હદમાં અતિક્રમણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે કો-અૉપરેટિવ બૅન્કો રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. મોદીએ કો-અૉપરેટિવ મંત્રાલયનો કાર્યભાર ગૃહપ્રધાન અમિત શાહને આપ્યો છે. 
શરદ પવારે દેશમાં કોરોનાની સ્થિતિ વિશે પણ મોદી સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે. રવિવારે ચોમાસું સત્રની પૂર્વસંધ્યાએ સર્વપક્ષીય બેઠક યોજાવાની છે અને એમાં પવાર પણ હાજરી આપવાના છે. 
છેલ્લા એક-બે દિવસથી પવાર દિલ્દીમાં કેન્દ્રીય પ્રધાનોને મળી રહ્યા છે. પહેલા તેમણે રાજ્યસભાના નવા નેતા પીયૂષ ગોયલ સાથે માટિંગ કરી હતી. આ બેઠક પીયૂષ ગોયલના નિવાસસ્થાને થઈ હતી. પવાર શુક્રવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહને પણ મળ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer