કૅપ્ટનની નારાજી વચ્ચે સિદ્ધુને પંજાબ કૉંગ્રેસનું અધ્યક્ષપદ?

કૅપ્ટનની નારાજી વચ્ચે સિદ્ધુને પંજાબ કૉંગ્રેસનું અધ્યક્ષપદ?
પાર્ટીનો વિવાદ ઉકેલવા પ્રયાસ
ચંડિગડ, તા.17 : પંજાબ કોંગ્રેસમાં મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અને પૂર્વ પ્રધાન નવજોત સિદ્ધુ વચ્ચેની કોલ્ડવૉર ડામવામાં પાર્ટી નેતૃત્વને પરસેવો છૂટી રહ્યો છે. એકને મનાવે તો બીજા નારાજ થાય તેવી સ્થિતિ વચ્ચે પ્રભારી હરિશ રાવતે આખરે મુખ્યપ્રધાન અમરિંદર સિંહને મનાવી લીધા છે. શનિવારે ચંડીગઢમાં રાવત સાથે બેઠક બાદ અમરિંદરે એલાન કર્યુ કે પાર્ટી નેતૃત્વ જે નિર્ણય લે તે મંજૂર છે. રાવતે પણ દિલ્હી પાછા ફર્યા બાદ ટ્વિટ કરી કેપ્ટનનો આભાર માન્યો હતો. 
સૂત્રોએ જણાવ્યું કે સમાધાન ફોર્મ્યુલા મુજબ મુખ્યપ્રધાન પદે કેપ્ટન અમરિંદર સિંહ જ રહેશે અને સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદે બેસાડવામાં આવશે ઉપરાંત 4 કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી શકે છે. આ પહેલા અમરિંદરે એલાન કર્યુ હતુ કે જ્યાં સુધી સિદ્ધુ જાહેરમાં માફી ન માગે ત્યાં સુધી તેઓ તેમની સાથે કોઈ બેઠક નહીં કરે. સિદ્ધુએ પણ જોર વધારતાં સમર્થન મેળવવા પાર્ટી પ્રધાનઓ, ધારાસભ્યો, નેતાઓના ઘેર સુધી પદયાત્રા શરૂ કરી છે. ગઈકાલ સુધી સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવાની ફોર્મ્યુલા અમરિંદરે ફગાવી દીધી હતી જેથી સિદ્ધુની તાજપોશી ટળી હતી. પ્રભારી રાવતે ફરી એકવાર ચંડીગઢ જઈ અરવિંદર સિંહ સાથે બેઠક યોજી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જે સફળ રહ્યો છે. હવે સોનિયા ગાંધીની મંજૂરી બાદ ગમે ત્યારે સિદ્ધુની તાજપોશી કરાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer