કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે યેદિયુરપ્પા દિલ્હી દોડયા

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે યેદિયુરપ્પા દિલ્હી દોડયા
ભાજપ નેતૃત્વ સમક્ષ શરતી રાજીનામું અૉફર કર્યાની ચર્ચા
નવી દિલ્હી, તા.17 : કર્ણાટકમાં ભાજપે નવા મુખ્યમંત્રીની હલચલ તેજ કરી હોવાનું માનવામાં આવે છે. રાજીનામાની અટકળો વચ્ચે મુખ્યમંત્રી યેદિયુરપ્પા શુક્રવારે દિલ્હી પહોંચ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. શનિવારે તેમણે ભાજપ પ્રમુખ નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. તેઓ કર્ણાટક પરત ફરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પહોંચતા પહેલા ગૃહમંત્રાલયમાંથી ફોન ધણધણ્યો અને તેઓ અમિત શાહને મળવા દોડી ગયા હતા.
શાહ સાથેની મુલાકાત અંગે યેદિયુરપ્પાએ કહ્યં કે ગૃહમંત્રીએ તેમને કર્ણાટકમાં સખત મહેનત કરવા અને લોકસભામાં વધુ બેઠકો જીતવા પ્રેર્યા હતા. નડ્ડા સાથે મુલાકાત બાદ તેમણે રાજીનામાની અટકળો ફગાવી હતી અને કહ્યું કે વડાપ્રધાન સાથે કર્ણાટકના વિકાસ અંગે વાતચીત થઈ છે. તેઓ વડાપ્રધાનના દરેક નિર્દેશનું પાલન કરશે અને જ્યારે કહેશે ત્યારે રાજીનામું આપી દેશે.
સૂત્રો અનુસાર 26 જૂલાઈએ યુદિયુરપ્પા સરકારના બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે પહેલા તેમના રાજીનામાની કોઈ સંભાવના નથી. જો કે ઓગષ્ટમાં રાજીનામા જેવી નવાજૂની થઈ શકે છે. તેમના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે પરંતુ યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. જો કે રાજીનામું આપતાં પહેલા તેમણે પાર્ટી નેતૃત્વ સમક્ષ પોતાના પુત્રો માટે કેન્દ્રમાં સન્માનજનક પદ મળે તેવી કેટલીક શરતો રાખી હોવાનું કહેવાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer