આઈપીઓથી રોકાણકારો પ્રભાવિત પણ શૅરબજાર દિશાહિન

આઈપીઓથી રોકાણકારો પ્રભાવિત પણ શૅરબજાર દિશાહિન
નિફ્ટીને 15,600ના સ્તરે મજબૂત ટેકો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : આ સપ્તાહે નિફ્ટીએ ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. છેલ્લાં એક વર્ષથી બજારમાં તેજી છે. બેન્ચમાર્ક સૂચકાંકો ઉપરાંત નાની કંપનીઓના શૅર્સમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વલણ ફક્ત ભારત પૂરતું સીમિત નથી. પરંતુ વૈશ્વિક શૅરબજારોમાં પણ જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ચીનનું અર્થતંત્ર ધમધમતું થતાં ફુગાવો પણ વધી રહ્યો છે. ભારતમાં અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા ફુગાવો વધવાની ચિંતા છે. આ પરિસ્થિત હાલ નિયંત્રણમાં આવે તેવું લાગતું નથી કારણ કે સપ્લાયની અછતને લીધે ક્રૂડતેલના ભાવમાં હજી વધારો થવાના સંકેત છે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીએ તેમની સાપ્તાહિક સમીક્ષામાં જણાવ્યું છે. 
તેમણે ઉમેર્યું કે, સામાન્ય રીતે જીડીપી વૃદ્ધિની સાથે ફુગાવામાં પણ વધારો થતો હોય છે. યુએસ ફેડ અને રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ વ્યાજ દરમાં વધારો નહીં કરવાનો આકરો નિર્ણય લેતા તેની સકારાત્મક અસર હવે દેખાઈ રહી છે. એક બાજુ ફુગાવો વધી રહ્યો છે પરંતુ બીજી બાજુ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે જ્યારે બોન્ડ યીલ્ડમાં વધારો થશે ત્યારે ચિંતા ઊભી થશે અને જ્યારે યીલ્ડમાં ઘટાડો થશે ત્યારે ભય જુદો હશે. અન્ય નકારાત્મક પરિબળો પણ દેખાઈ રહ્યા છે. જીએસટી કલેક્શન $1 લાખ કરોડથી ઓછું થવું અને ભારતનો ડેબ્ટ:જીડીપી રેશિયો જે હાલ 14 વર્ષની ટોચે છે, તે ચિંતાના વિષયો છે. આ નબળા પરિબળો છતાં શૅરબજારમાં તેજી છે. 
જે રોકાણકારો ટૂંકા ગાળાની ટ્રેડિંગ નીતિ અપનાવી રહ્યા છે તેમને ફાયદો થઈ રહ્યો છે અને તેમને રિટર્ન બમણાં જેટલું મળ્યું છે. આઈપીઓને પણ સારો પ્રતિસાદ મળતો હોવાથી પ્રમોટર્સ અને પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોને પણ ફાયદો થઈ રહ્યો છે. તેથી દરેક આઈપીઓમાં રિટેલ ભરણુ અનેક ગણુ છલકાતા બજારમાં એક ઉત્સાહ નિર્માણ થાય છે. મૂલ્યાંકન બાબતે શંકા ઊભી થતી હોય છે પરંતુ પ્રમોટર્સ અને પ્રાઈવેટ ઈક્વિટી રોકાણકારોને ઊંચા ભાવે ખરીદદારો મળી જ રહે છે. તેથી આઈપીઓથી તેમને ફાયદો થાય છે. રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને એ પણ વિશ્વાસ છે કે તેમને `િલસ્ટિંગનો ફાયદો' થશે. આવા રોકાણકારોને વિશ્વાસ છે કે તેમને સામે પ્રિમિયમ ભાવે શૅર ખરીદનાર મળી રહેશે, તેને `ગ્રેટર ફૂલ થીયરી' કહેવામાં આવે છે.  
ટેક્નિકલ દૃષ્ટિએ જોતા નિફ્ટી સૂચકાંક વધારે બંધ રહ્યું છે. જોકે, બજાર 400 પોઈન્ટ્સની રેન્જમાં જ ટ્રેડ થતો હોવાથી નિફ્ટીને નિર્ણાયક દિશા મળતી નથી.  બજારમાં ટૂંકા ગાળામાં વધુ પડતી લેવાલી થઈ છે. આ લેવાલી બાદ મોટા ભાગે બજારમાં મોટો વધારો નહીં થતાં ગતિ મંદ પડતી જોવા મળી છે. નિફ્ટીને 15,600ના સ્તરે મજબૂત ટેકો મળી રહ્યો છે. નિફ્ટી 15,950થી ઉપર બંધ આવે તો તે 16,200ની ટોચને આંબી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer