રાજ્યોને રસીની ફાળવણી કેવી રીતે અને કઈ પદ્ધતિથી થાય છે તે કેન્દ્ર જણાવે હાઈ કોર્ટ

રાજ્યોને રસીની ફાળવણી કેવી રીતે અને કઈ પદ્ધતિથી થાય છે તે કેન્દ્ર જણાવે હાઈ કોર્ટ
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : બૉમ્બે હાઇ કોર્ટે શનિવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે એ રાજ્યને કેવી રીતે અને કઈ પદ્ધતિએ કોવિડ-19ની રસીની ફાળવણી કરે છે એ વિશે એફિડેવિટ દાખલ કરવા 
જણાવ્યું છે. 
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચે આ આદેશ યોગિતા વંજારા દ્વારા દાખલ કરાયેલી જનહિતની અરજીની સુનાવણી કરતા આપ્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે કોવિન પોર્ટલના માધ્યમથી કોવિડ-19ની રસી લેવાનો સમય મેળવવામાં લોકોને ભારે તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું. 
અરજદાર વતી ઉપસ્થિત ધારાશાસ્ત્રી જમશેદ માસ્ટરે કોર્ટને જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધીમાં માત્ર 14 લાખ લોકોને બંને ડૉઝ અપાયા છે જ્યારે 50 લાખને પહેલો ડૉઝ અપાયો છે. 
માસ્ટરે કહ્યું કે, શહેરની વસતિના માત્ર છ ટકા લોકોને બંને ડૉઝ અપાયા છે. જો આ ઝડપે રસી અપાશે તો તમામ નાગરિકોનું રસીકરણ પૂરું થતાં ત્રણ-ચાર વરસ લાગી જશે. 
બેન્ચે કહ્યું કે રસીની ફાળવણીના મુદ્દે કેન્દ્રને આદેશ આપી ન શકે કારણ આ એક રાષ્ટ્રીય નીતિ છે. 
જોકે, કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો કે એ જણાવે કે કઈ રીતે વૅક્સિનનો ઓર્ડર ઉત્પાદકોને અપાય છે અને વૅક્સિનની ડિલિવરીની સમયમર્યાદા જણાવવામાં આવે. કેન્દ્ર સરકારે એ પણ જણાવવું પડશે કે વિવિધ રાજ્યોને વૅક્સિનનો જથ્થો કેવી રીતે ઉપલબ્ધ કરાવે છે. 
રાજ્યએ કરેલી એફિડેવિટમાં કોર્ટને જણાવ્યું હતું કે નિર્માતા દ્વારા જણાવાયા બાદ અઠવાડિયામાં ત્રણ વાર રસી મેળવે છે, ત્યાર બાદ રસીને રાજ્યભરનાં રસી કેન્દ્રોમાં મોકલવામાં આવે છે. જોકે, એફિડેવિટમાં રાજ્ય દ્વારા મેળવવામાં આવતી રસીના જથ્થાનો ઉલ્લેખ કર્યો નથી. 
બેન્ચે મહારાષ્ટ્ર રાજ્યના પરિવાર કલ્યાણ બ્યૂરો, જે રાજ્યભરમાં વૅક્સિનનો જથ્થો ફાળવવા માટે જવાબદાર છે તેમને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 
અરજદારના વકીલે માગણી કરતાં કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અૉફ ઇન્ડિયા જે કૉવિશિલ્ડ વૅક્સિન બનાવે છે અને ભારત બાયોટેક જે કૉવૅક્સિન વૅક્સિન બનાવે છે, તેમને પણ પક્ષ બનાવવા જોઇએ. 
આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું, કેન્દ્ર સરકારને એફિડેવિટ દાખલ કર્યા બાદ તેમને પ્રતિવાદી બનાવવા અંગે વિચાર કરશું. 
કોર્ટે કેસની વધુ સુનાવણી બીજી અૉગસ્ટ પર મુલતવી રાખી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer