બળાત્કારની ફરિયાદ સામે ટી-સિરીઝના માલિકે ખંડણીની ફરિયાદ નોંધાવી

બળાત્કારની ફરિયાદ સામે ટી-સિરીઝના માલિકે ખંડણીની ફરિયાદ નોંધાવી
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : ટી-સિરીઝ કંપનીના માલિક અને નિર્માતા કિશનકુમાર પાસેથી નાણાંની માગણી કરવાના આરોપસર અંબોલી પોલીસે શુક્રવારે મલ્લિકાર્જુન પૂજારી નામની એક વ્યક્તિ સામે એફઆઈઆર ફાઈલ કરી છે. આરોપીએ કિશનકુમારને એવી ધમકી આપી હતી કે જો મને નાણાં નહીં મળે તો હું તમારા ભત્રિજા અને કંપનીના મૅનાજિંગ ડિરેકટર ભૂષણકુમાર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવીશ. 
તેની સામે ખંડણી વસૂલવાના અને અન્ય ગુના હેઠળ આરોપ લગાડવામાં આવ્યા છે. ભૂષણકુમાર સામે ગુરુવારે ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાઈ એના એક દિવસ બાદ આરોપી સામે પોલીસે એફઆઈઆર ફાઈલ કરી છે. 
ભૂષણકુમાર સામે 30 વર્ષની મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને તેણે ફરિયાદમાં કહ્યું છે કે મને કંપનીના એક પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી ભૂષણકુમારે 2017 અને 2020 વચ્ચે મારા પર અનેકવાર બળાત્કાર કર્યો હતો. 
અંબોલી પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી મલ્લિકાર્જુન પૂજારી ત્રણ જુલાઈના કિશનકુમારને મળ્યો હતો. બળાત્કારની ફરિયાદ નહીં નોંધાવવાના બદલામાં નાણાંની માગણી કરી હતી. એફઆઈઆરમાં એવું જણાવાયું છે કે આરોપી ભૂષણકુમાર સામે બળાત્કારનો ખોટો આરોપ મૂકી મીડિયામાં તેમની છબી ખરડવા માગતો હતો. આરોપીએ કિશનકુમારને એમ પણ કહ્યું હતું કે જો નાણાં નહીં મળે તો મહિલાનો મિત્ર ભૂષણકુમારની હત્યા કરશે. 
આ મહિલાએ ગુરુવારે ભૂષણકુમાર (43) સામે નોકરી આપવાના બહાને બળાત્કાર કરવાની ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આ ફરિયાદી મહિલા ભૂષણકુમારને છેલ્લાં થોડાં વર્ષોથી ઓળખતી હતી અને તેણે 2017થી 2020 વચ્ચે તેના પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરી છે. મહિલાએ કહ્યું છે કે મારી સાથે છતરાપિંડી થઈ હોવાથી મેં આ ફરિયાદ નોંધાવી છે. 
શુક્રવારે એક અખબારી યાદીમાં ટી-સિરીઝે બળાત્કારના આરોપને નકારી કાઢ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે અમે અમારા વકીલોની સલાહ લઈ યોગ્ય તે કાનૂની પગલાં લઈશું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer