આફ્રિકાનો આયર્લેન્ડ સામે વિજય ડીકોક અને મલાન વચ્ચે 225 રનની ભાગીદારી

આફ્રિકાનો આયર્લેન્ડ સામે વિજય ડીકોક અને મલાન વચ્ચે 225 રનની ભાગીદારી
ડબલિન, તા. 17 : આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડબલિનમાં ત્રીજો અને અંતિમ વનડે મેચ રમાયો હતો. જેમાં આફ્રિકાએ 70 રનથી જીત મેળવીને શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. શ્રેણીનો પહેલો મુકાબલો પરિણામ વિનાનો રહ્યો હતો. ત્યારબાદનો મેચ આયર્લેન્ડે પોતાના નામે કર્યો હતો. હવે બન્ને ટીમ વચ્ચે 19-24 જુલાઈના ટી20 શ્રેણી રમાશે. 
મેચમાં દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન જાનેમાન મલાન અને ડીકોક વચ્ચે પહેલી વિકેટ માટે 225 રનની દમદાર ભાગીદારી થઈ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી મલાને 169 બોલમાં 16  ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 177 રન કર્યા હતા. મલાન ઉપરાંત ડીકોકે 91 બોલમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 120 રન કર્યા હતા અને દક્ષિણ આફ્રિકાનો 50 ઓવરમાં કુલ સ્કોર 346 રન થયો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમના સીમી સિંહે 91 બોલમાં 100 રન કરવા છતા પણ ટીમ 47 ઓવરમાં 276 રન કરીને ઓલઆઉટ થઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer