નકલી રસી કૌભાંડ ભોગ બનેલાઓને વહેલી તકે રસી આપવા હાઈ કોર્ટનો આદેશ

કાંદિવલી પ્રકરણમાં 15 દિવસમાં ચાર્જશીટ નોંધાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : બનાવટી વૅક્સિન શિબિરોમાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને રાહત આપતો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે એક યાચિકાની  સુનાવણી દરમિયાન આવા લોકોનું વહેલી તકે રસીકરણ કરવાનો નિર્દેશ કેન્દ્ર અને મહાપાલિકાને આપ્યો છે. 
મુંબઈમાં બનાવટી રસીકરણ શિબિરોમાં 2773 નાગરિકો સાથે છેતરપિંડી થઈ છે. એમાંથી 1636 લોકોએ પાલિકાનો સંપર્ક કરતાં તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી. તેમને વૅક્સિનને બદલે સેલાઈન વૉટર આપવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે. કેન્દ્ર સરકારે કોવિડ પોર્ટલ પર તેમનું રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી વહેલી તકે કરવી જેથી તેમનું ફરીથી રજિસ્ટ્રેશન થઈને વૅક્સિન આપવાની કાર્યવાહી થઈ શકે એવું હાઈ કોર્ટે જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર વતી એડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે આ અંગે ઘટતું કરવામાં આવશે એવું જણાવ્યું છે. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોનું ફરીથી રસીકરણ કરવાનું પાલિકાનું આયોજન હોવાનું પાલિકા વતી વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ જણાવ્યું હતું. આ બાબતે આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.
બનાવટી વૅક્સિન પ્રકરણે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી પ્રથમ એફઆરઆઈ પ્રકરણે પંદર દિવસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, એવું મુખ્ય સરકારી વકીલ અરુણા પૈએ અદાલતને જણાવ્યું છે. બનાવટી વૅક્સિન બાબતે મુંબઈમાં કુલ દસ એફઆરઆઈ નોંધવામાં આવી છે અને 14 જણને અટકાયતમાં લેવાયા છે. આ કેસની તપાસ માટે પોલીસ કમિશનર દ્વારા ડેપ્યુટી પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ એસઆઈટીની સ્થાપના પણ કરાઈ છે. અન્ય એફઆરઆઈ પ્રકરણે પણ તપાસ વહેલી તકે પૂરી કરીને ચાર્જશીટ દાખલ કરવાનું અદાલતે જણાવ્યું છે. 
આરોપી તબીબ સામે લોકોનો રોષ  
કાંદિવલી (પશ્ચિમ)માં હીરાનંદાની હેરિટેજ સહિત વિવિધ સ્થળે નકલી રસી આપવાની શિબિરો યોજવામાં આવી હતી. આ પ્રકરણમાં સંડોવણી બદલ પકડાયેલા ચારકોપની શિવમ હૉસ્પિટલના સંચાલક ડૉ. શિવરાજ પટારિયા (61)ને કથિતરૂપે કોરોના થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ પ્રગટ થયા પછી `જન્મભૂમિ' અખબારની કચેરીમાં અનેક લોકોએ ફોન કર્યા હતા. નકલી રસી કૌભાંડથી અસર પામેલા નાગરિકોએ ભારે આક્રોશ ઠાલવવ્યો હતો. આ તબીબે લોકોને રસીને બદલે સલાઈનના ઈન્જેક્શન આપ્યાં હોવાથી તેમને પણ નકલી રસી આપવી જોઈએ એમ કાંદિવલી-ચારકોપમાં રહેતા ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer