દેશમાં કોરોનાના સક્રિય કેસો ઘટતા જાય છે

નવા 38,079 દર્દી, 560નાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 17 : ભારતમાં શનિવારે સારવાર હેઠળ છે તેવા સંક્રમિતોની સંખ્યામાં છ હજારથી વધુ ઘટાડો આવ્યો હતો. સક્રિય કેસોમાં આટલો મોટો ઘટાડો લાંબા સમય પછી આવ્યો છે. 
દેશમાં આજે પણ બીજા દિવસે 40 હજારથી ઓછા, 38079 નવા દર્દી ઉમેરાતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડ, 10લાખ, 64,908 થઈ ગઈ છે. 
છેલ્લા ર4 કલાક દરમ્યાન વધુ પ60 સંક્રમિતોને ચીની વાયરસે કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 4,13,091 દર્દી જીવ ખોઈ ચૂકયા છે. 
દેશમાં આજની તારીખે સવા ચાર લાખથી ઓછા, 4,24,025 દર્દી સારવાર હેઠળ છે. આજે 6397 કેસ ઘટી જતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટીને માત્ર 1.36 ટકા રહી ગયું છે. દેશના વિવિધ રાજ્યોમાં શનિવારે વધુ 43,916 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ્લ ત્રણ કરોડ, બે લાખ, 27,792 દર્દી સાજા થઈ ચૂકયા છે. 
નવા દર્દીની તુલનામાં સ્વસ્થ દર્દીઓની સંખ્યા વધુ આવવાનો દોર પાછો શરૂ થતાં સાજા થતાં દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ વધીને 97.31 ટકા થઈ ગયો છે. 
દેશમાં અત્યાર સુધી 44.20 કરોડથી વધારે ટેસ્ટ થઈ ચૂકયા છે, તો અત્યાર સુધીમાં 39.96 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂકયા છે. 
સંક્રમણનો દૈનિક દર ઘટીને 1.91 ટકા થઈ ગયો છે, તો સાપ્તાહિક સંક્રમણનો દર પણ દરરોજ ઘટતો રહીને 2.10 ટકા રહી ગયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer