એફવાયજેસી માટેની અૉફલાઈન સીઈટી 21 અૉગસ્ટે યોજાવાની વકી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર બોર્ડ પ્રથમ વર્ષ જુનિયર કૉલેજ (એફવાયજેસી)માં પ્રવેશ માટેની વૈકલ્પિક કોમન એન્ટરન્સ ટેસ્ટ (સીઈટી) 21 અૉગસ્ટે યોજે એવી શક્યતા છે.
આ પરીક્ષા અૉફલાઈન સ્વરૂપમાં હશે અને અૉનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સોમવારે શરૂ થશે, એમ બોર્ડના ચૅરમૅન દિનકર પાટીલે શુક્રવારે જણાવ્યું હતું. એફવાયજેસીના પ્રવેશ (પ્રથમ રાઉન્ડ) માટે સીઈટીને પ્રાથમિકતા અપાશે. પ્રવેશ માટે સીઈટીનાં પરિણામને એસએસસીના પરિણામ કરતાં ઉપર ગણવામાં આવશે.
પરીક્ષાના વિષયો અંગે વિગતવાર વટહુકમ આવતા સપ્તાહે બહાર પાડવામાં આવશે.
રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી આ પરીક્ષા માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, જ્યારે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓએ રૂપિયા 178નો ચાર્જ ભરવો પડશે એમ પાટીલે જણાવ્યું હતું.
એમએસબીએસએચએસઈની વેબસાઈટ પર લિન્ક ઉપલબ્ધ કરવામાં આવશે, જે વિવિધ અૉનલાઈન પોર્ટલ માટે વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે.
રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા સીટ નંબર આપવાનું કહેવામાં આવશે અને તેઓ ડેટા આપશે એટલે તેમની બધી વિગતો સાથે વિન્ડો ખૂલશે.
વિદ્યાર્થી વૈકલ્પિક સીઈટી પરીક્ષા આપવા માગે છે કે નહીં તે અંગેનો સવાલ તેને વિન્ડોમાં પૂછવામાં આવશે. વિદ્યાર્થી જે પણ વિકલ્પ પસંદ કરશે તેનો ડેટા સીધો બોર્ડને મળી જશે. નોન-સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ માટે અલગ રીતે સૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, એમ પાટીલે જણાવ્યું હતું.
પવઈ ઇંગ્લિશ સ્કૂલના નિધૂન નાયર કે જેણે એસએસીમાં 93.4 ટકા મેળવ્યા છે તેણે જણાવ્યું હતું કે કૉલેજ એડમિશન માટે સીઈટીને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે હું તેના પર ધ્યાન આપી રહ્યો છું.
ઊંચા માર્કસ મેળવનારા ઘણા વિદ્યાર્થીઓ એડમિશન માટે એસએસસીના માર્કસને સીઈટીના માર્કસ સરખા ગણવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
`એસએસસીમાં મારી પુત્રીને 91.4 ટકા માર્કસ મળ્યા હતા. સીઈટીમાં તે વધુ સારો દેખાવ કરી શકશે કે કેમ તેની અમને ચિંતા થાય છે,' એમ વસઈ સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીની માતા મધુરીમા રાણેએ જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમણે અૉફલાઈન પરીક્ષામાં સારા માર્કસ મેળવ્યા છે તેમણે પણ તેમના માર્કસ સીઈટીના ઊંચા માર્કસ સાથે સરખા ગણવાનો આગ્રહ રાખ્યો હતો.
એસેસમેન્ટ પદ્ધતિ વિશે બોલતાં થાણેની બીએસએમ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલનાં પ્રિન્સિપાલ અપર્ણા રોયે જણાવ્યું હતું કે નવમા ધોરણમાં ખરાબ પ્રદર્શન કરનારા ઘણા વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં સારું પ્રદર્શન કરી શકે. એટલે સીઈટી એક સારો વિકલ્પ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer