સ્વિગિની નવી ચાલને કારણે અૉનલાઈન ફૂડ ડિલિવરીનું મૉડેલનું સ્વરૂપ બદલાઈ શકે છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 :  બેંગ્લોરની અૉનલાઈન ફુડ ડિલિવરી કંપની સ્વિગિએ પોતાને મળતા ઓર્ડર સીધા રેસ્તોરાંને આપવાનો એક પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એને લીધે રેસ્તોરાંવાળાઓએ જે કમિશન સ્વિગિને આપવું પડે છે એમાં ખાસ્સો ઘટાડો થશે. આ પાઈલટ પ્રોજેક્ટ સફળ થશે તો ભારતમાં અૉનલાઈન ફૂડ ડિલિવરી મોડેલનું સ્વરૂપ પણ કદાચ બદલાઈ શકે છે. 
ઓર્ડર ડાયરેક્ટ નામના આ પ્રોજેક્ટમાં સ્વિગિએ ગ્રાહકોની ખાનગી માહિતી પણ રેસ્તોરાંવાળાઓને આપવી પડશે અને આ ખાનગી માહિતી લીક ન થાય એ માટે સ્વિગિએ રેસ્તોરાંવાળા સાથે કરાર પણ કરવા પડશે. ઝોમેટો અને સ્વિગિ જેવી અૉનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓના ઊંચા કમિશન સામે રેસ્તોરાંના માલિકોએ અગાઉ વિરોધ નોંધાવ્યો છે. આ પ્રોજેક્ટને લીધે રેસ્તોરાંવાળા પણ ડાયરેક્ટ ડિલિવરી સિસ્ટમમાં પગપેસારો કરી શકશે. 
આ પાઈલટ પ્રોજેક્ટ અનુસાર રેસ્તોરાવાળાને કોઈ નવા અૉનલાઈન ગ્રાહકની માહિતી મળશે તો એ આ માહિતી સ્વિગિને આપશે. સ્વિગિ તરત જ ઓર્ડરને પૂરો કરશે અને પેમેન્ટ પણ લઈ લેશે. સ્વિગિ આવા ઓર્ડર પરનું કમિશન પણ ઘટાડશે. 
સૂત્રોએ કહ્યું હતું કે અત્યારે રેસ્તોરાંવાળાઓને ડિલિવરી અને પેમેન્ટ માટે થર્ડ પાર્ટી પર આધાર રાખવો પડે છે, પણ સ્વિગિ ડિલિવરી અને પેમેન્ટ બન્નેનું પોતે જ ધ્યાન રાખે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer