હવે સરકાર ઊંચી કિંમતે ખરીદશે રસી

જો કે લોકો પર અસર નહીં : કેન્દ્ર કૉવૅક્સિન 215 રૂા. માં અને કૉવિશિલ્ડ રૂા. 205 ના ભાવે ખરીદશે
નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે  દેશની બંને રસી કંપનીઓ સાથે રસીની  ખરીદીના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ભાવ વધારવાની માંગ કરી રહી હતી. સરકારી સૂત્રો અનુસાર ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કોવિશિલ્ડ રસીના 66 કરોડ ડોઝ નવા દરો સાથે ખરીદી કરવામાં આવશે. જેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હજુ સુધી આ ડોઝ 150 રૂા.ના દરે ખરીદવામાં આવતો હતો.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ડિસેમ્બર સુધી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા પાસેથી  કોવિશિલ્ડના 37.5 કરોડ ડોઝ તથા ભારત બાયોટેકની કોવાક્સિનના 28.5 કરોડ ડોઝ ખરીદવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું કે, ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે કોવિડ-19 રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનના 66 કરોડ વધુ ડોઝ ક્રમશ: 205 રૂા. અને 215 રૂા. પ્રતિ ડોઝના હિસાબે ખરીદી કરવામાં આવશે. જેમાં કરવેરો સામેલ નહીં હોય. કર સહિત કોવિશિલ્ડની કિંમત 215.25 રૂા. પ્રતિ ડોઝ અને કોવેક્સિનના 225.75 રૂા. પ્રતિ ડોઝ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અત્યારે 150 રૂા. પ્રતિ ડોઝના દરે બંને રસી ખરીદી કરી રહ્યું છે. મંત્રાલયે સંકેત આપ્યો કે, નવી કોવિડ-19 રસી ખરીદી નીતિ અમલમાં  આવ્યા બાદ કિંમતોમાં  સુધારા કરવામાં આવશે. નવી નીતિ અંતર્ગત મંત્રાલય દેશમાં દવા કંપનીઓ દ્વારા નિર્મિત 75 ટકા રસી ખરીદશે.
સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્રએ બંને કંપનીઓને ઉત્પાદન ક્ષમતા વધારવા કહ્યું છે. રસી નિર્માતા કંપનીઓએ  પણ સંકેત આપ્યો છે કે,  ઉત્પાદન વધારવા માટે રોકાણના અમે પ્રતિ ડોઝ 150 રૂા. મેળવવા તેમના માટે વ્યવહારિક નથી. કેન્દ્ર સરકારે પ્રક્રિયાનાં વિકેન્દ્રીકરણની માંગ બાદ એથી પહેલાં રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને  50 ટકા રસીની ખરીદીની મંજૂરી આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer