કૉવિશિલ્ડને ફ્રાંસની માન્યતા

નવી દિલ્હી, તા.17 : ફ્રાંસ સરકારે ભારતની કોવિશીલ્ડ વેક્સિનને પોતાના દેશમાં યાત્રા માટે માન્યતા આપી છે. ભારતથી જે મુસાફરોએ સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત્ત કોવિશીલ્ડ વેક્સિન (મૂળ એસ્ટ્રાજેનેકા) લગાવી હશે તેઓને ફ્રાંસમાં કોઈ રોકટોક રહેશે નહીં. ફ્રાંસ સરકારે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી.
યુરોપિયન યુનિયનનો આ 14મો દેશ છે જેણે ભારતની વેક્સિનને ગ્રીન પાસ તરીકે માન્યતા આપી છે. ફ્રાંસ ઉપરાંત બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બલગેરિયા, ઈસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ગ્રીસ, હંગેરી, આર્યલેન્ડ, લેટિવીયા, નેધરલેન્ડ, સ્લોવેનિયા, સ્પેન અને સ્વીડને કોવિશીલ્ડ વેક્સિનને માન્યતા આપી છે. સ્વિર્ત્ઝલેન્ડ અને આઈસ્લેન્ડ જે સમૂહનો ભાગ નથી તેણે પણ કોવિશીલ્ડ વેક્સિનધારક પ્રવાસી માટે દરવાજા ખોલી નાખ્યા છે.
જો કે વિશ્વના ઘણાં દેશો એવા છે જેણે ભારતની આ વેક્સિનને હજુ માન્યતા આપી નથી. જેમાં ઈટાલી, ક્રોએશિયા, સાયપ્રસ, ડેનમાર્ક, ઈસ્ટોનિયા, લીથુઆનિયા, લકઝમ્બર્ગ, માલ્ટા, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ,રોમાનિયા, સોલ્વાકિયા, ચેક ગણરાજ્ય સામેલ છે. યુરોપીય યુનિયનના અનેક દેશો યુરોપમાં નિર્મિત્ત એસ્ટ્રાજેનેકા વેક્સિનને જ માન્ય ગણે છે તેવા સમયે ભારતમાં નિર્મિત્ત આ જ વેક્સિનને ફ્રાંસે માન્યતા આપી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer