એમપીમાં પેટ્રોલ રૂ. 112ને પાર

નવી દિલ્હી, તા. 17 : એક જ દિવસની રાહત બાદ સરકારી તેલ કંપનીઓએ આજે ફરી એક વખત પેટ્રોલના ભાવ વધાર્યા હતા. ડીઝલના ભાવમાં કોઈ વધારો ન કરાતાં તે સ્થિર રહ્યા હતા. પેટ્રોલના ભાવમાં 29થી 30 પૈસાનો વધારો ઝિંકાતાં મધ્યપ્રદેશમાં પેટ્રોલની કિંમત તમામ વિક્રમો તોડતાં 112 રૂપિયા પ્રતિલિટરને પણ પાર પહોંચી ગઈ હતી. દેશમાં પેટ્રોલની સૌથી વધુ કિંમત મધ્યપ્રદેશમાં છે. 
મોંઘવારીના સમયમાં સતત ઊંચે જઈ રહેલા ઈંધણના ભાવોએ લોકોને આકરો ડામ આપવાનું કામ કર્યું છે ત્યારે નવા વધારાથી દિલ્હીમાં પેટ્રોલની કિમત 101.84 રૂપિયા અને ડીઝલના ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર રહ્યા હતા. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લિટર છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત મહાનગરોમાં મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતો હોય છે. સવારે છ વાગ્યાથી જ નવા દર લાગુ થતા હોય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એક્સાઈઝ ડયૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડયા બાદ તેના ભાવ લગભગ બેગણા થઈ જતા હોય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer