ડેલ્ટા સ્ટ્રેઇનમાં મોત સામે 99 ટકા સુરક્ષા આપતી વૅક્સિન

મુંબઈ/પુણે, તા. 17 : પુણેસ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ અૉફ વાયરોલૉજીના વૈજ્ઞાનિકોએ વૅક્સિનના એક કે બે ડૉઝ લેવા છતાં લોકોને શા માટે કોવિડનો ચેપ લાગે છે તે સમજવા દેશમાં સૌથી મોટો અભ્યાસ હાથ ધર્યો હતો.
આ અભ્યાસના ભાગરૂપે હાથ ધરાયેલા જેનોમિક વિશ્લેષણમાં એવું જાણવા મળ્યું હતું કે મોટા ભાગના નમૂનાઓમાં ડેલ્ટા વૅરિયન્ટની હાજરી જોવા મળી હતી, પરંતુ તે ઉપરાંત પણ આલ્ફા, કપ્પા, ડેલ્ટા, એવાય1 જેવા વૅરિયન્ટ પણ જોવા મળ્યા હતા. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા. જે લોકોએ વૅક્સિન લઈ લીધી હોય અને તેમને જો કોવિડ થઈ જાય તો તેને `બ્રેક થ્રુ ઇન્ફેક્શન' કહેવામાં આવે છે.
પ્રસિદ્ધ થવાના તબક્કામાં આવી ગયેલો એનઆઈવીનો અભ્યાસ પુરવાર કરે છે કે અૉક્ટોબર 2020માં પ્રથમવાર વિદર્ભમાં ડેલ્ટા વૅરિયન્ટ મળી આવ્યો હતો અને તેને બીજી લહેર માટે જવાદાર માનવામાં આવે છે અને તે બ્રેક થ્રુ ઇન્ફેક્શન માટે પણ કારણભૂત છે.
`હાલ ડેલ્ટા વૅરિયન્ટ વિશ્વભરમાં આ ચેપનું કારણ બન્યો છે પરંતુ મહત્ત્વનો મુદ્દો એ છે કે ડેલ્ટા વૅરિયન્ટના ગંભીરમાં ગંભીર ચેપમાં પણ વૅક્સિન 99 ટકા કરતાં પણ વધુ સુરક્ષા પ્રદાન કરે છે,' એમ ડૉ. યાદવે જણાવ્યું હતું.
માર્ચ અને જૂન વચ્ચે હાથ ધરવામાં આવેલા અભ્યાસ માટે 53 નમૂના મહારાષ્ટ્રમાંથી એકઠા કરવામાં આવ્યા હતા જ્યારે સૌથી વધુ 181 નમૂના કર્ણાટકમાંથી અને સૌથી ઓછા 10 નમૂના પશ્ચિમ બંગાળમાંથી એકઠા કરવામાં આવ્યા હતા. ડેલ્ટા વૅરિયન્ટને શોધી કાઢવા પ્રત્યેક નમૂના પર જેનેટિક સિકવેન્સિંગ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે બ્રેક થ્રુમાંના મોટા ભાગના ક્લિનિકલ કેસોમાં ડેલ્ટા વૅરિયન્ટનો ચેપ લાગેલો હતો અને માત્ર 9.8 ટકા કેસમાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી હતી જ્યારે મૃત્યુદર માત્ર 0.4 ટકાનો રહ્યો હતો. આનાથી એ વાત પુરવાર થઈ રહી છે કે, વૅક્સિનેશનથી હૉસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુ પામવાનો દર ઘણો ઘટી જાય છે.
આ અભ્યાસમાં ભાગ લેનારા મોટા ભાગના યુવાનો હતા અને મધ્યમ વય 44 (31.56) હતી જેમાં પુરુષો 66.1 ટકા અને તેમાંના 71 ટકા લક્ષણ ધરાવતા હતા. તાવ (69 ટકા) સૌથી સામાન્ય લક્ષણ હતું. ત્યાર બાદ શરીરનો દુખાવો અને માથાનો દુખાવો અને ઉબકા આવવા (56 ટકા), કફ (45 ટકા) અને ગળામાં ખારાશ (37 ટકા) જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer