રાજ્યો કોરોના સામે સાવધ રહે

રાજ્યો કોરોના સામે સાવધ રહે
અનલૉક સંભાળીને કરવા કેન્દ્રની સૂચના
નવી દિલ્હી, તા. 19 : ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટવા માંડતાં રાજ્યોએ નિયંત્રણોમાં ઢીલ મૂકવા માંડી છે, ત્યારે કેન્દ્ર સરકારે તજજ્ઞોની સલાહ લઇને રાજ્યોને ઢીલ મૂક્યા પછી સતર્ક રહેવા ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકારના ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના સચિવોને પત્ર લખીને ટેસ્ટ, ટ્રેક અને?ટ્રીટ એટલે કે પરીક્ષણ, સંક્રમણ પકડવું તેમજ સારવાર એમ ત્રણ `ટી' ફોર્મ્યુલા અપનાવવા સલાહ આપી છે. ખાસ કરીને રસીકરણનાં અભિયાનને ગતિ આપવાના પ્રયાસો સતત કરવાની સૂચના પણ તેમણે રાજ્ય સરકારોને આપી છે. ઉપરાંત, માસ્ક પહેરી રાખવાથી માંડીને હાથ સતત સ્વચ્છ રાખવા, સામાજિક અંતર જાળવવું, બંધ જગ્યામાં વેન્ટિલેશન, ભીડ ન કરવી જેવા નિયમો પળાવવા પણ તાકીદ કરાઇ છે.
કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવતાં કહ્યું હતું કે, ભલે સંક્રમણના મામલા અને દર ઘટવા માંડયા છે, પરંતુ પરીક્ષણનાં પ્રમાણમાં ઘટાડો આવવો ન જોઇએ.
ત્રીજી લહેરની ચેતવણીને ગંભીરતા સાથે ધ્યાને લઇને સંક્રમણ દર કે સક્રિય કેસોમાં જરા જેટલા પણ વધારાના સંકેતો સામે સાવચેત રહેવાનો નિર્દેશ અપાયો છે. અત્યારે કોરોના પર કાબૂ માટે રસીકરણ જ એકમાત્ર હથિયાર છે એ તથ્ય આંખ સામે રાખીને વધુને વધુ લોકોને રસી આપવા કહેવાયું છે.
શિક્ષકોના રસીકરણ બાદ જ સ્કૂલો ખૂલશે : કેન્દ્ર
કોરોના સંકટના કારણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાળાઓને તાળાં લગાવી દેવાયાં છે, ત્યારે દેશમાં શાળાઓ ક્યારે ખૂલશે તેવા સવાલનો જવાબ સરકારે આપ્યો છે.કેન્દ્રની સરકારે કોઈ ચોક્કસ સમયગાળો તો નથી આપ્યો પરંતુ એવું સ્પષ્ટ કર્યું છે કે, મોટા ભાગના શિક્ષકોનું રસીકરણ થઈ જશે પછી જ શાળાઓને ફરી ખોલવાનો ફેંસલો કરાશે. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલે જણાવ્યું હતું કે, દેશમાં શાળાઓ ફરી ખોલવાનો નિર્ણય લેતી વખતે ઘણી બધી બાબતો પર વિચારવાની જરૂર છે.બાળકોમાં સંક્રમણની તીવ્રતા હજુ સુધી ઘણી હળવી રહી છે, ત્યારે શિક્ષકોને રસીનું સુરક્ષાકવચ જરૂરી બને છે.શિક્ષકો તેમજ બાળકોને મહામારી નુકસાન નહીં કરે તેવો વિશ્વાસ ન આવી જાય ત્યાં સુધી શાળાઓ ખોલવાનું જોખમ સરકાર લેવા માગતી નથી. ડો. પોલે કહ્યું હતું કે, રસીકરણનો વ્યાપ વધતો જશે, શિક્ષકોને રસી મળી જશે અને બાળકોમાં સામાજિક અંતરનું શિસ્ત નિત્યક્રમમાં વણાઈ જશે પછી શાળાઓ ખોલવા પર નિર્ણય લઈ શકાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer