પાલિકા આવતા સપ્તાહે થોડી છૂટછાટો આપી શકે છે

પાલિકા આવતા સપ્તાહે થોડી છૂટછાટો આપી શકે છે
મુંબઈ લેવલ વનના અનલૉક માટે યોગ્ય
મુંબઈ, તા. 19 : કોવિડ-19ના નવા કેસમાં થઈ રહેલા ઘટાડાને પગલે મહારાષ્ટ્રના મુંબઈ સહિત 25 જિલ્લા લેવલ વનના અનલૉક માટે યોગ્ય છે. એનો મતલબ, લૉકડાઉનમાં મોટાપાયે રાહત મળી શકે છે. રાજ્યમાં શુક્રવારે મુંબઈના 758 સહિત કુલ 9,798 કેસ નોંધાયા હતા. 
રાજ્ય સરકારે તમામ જિલ્લાનો ડાટા જાહેર કર્યો હતો, જેમાં મુંબઈમાં સાપ્તાહિક અહેવાલમાં પોઝિટિવિટી રેટ 3.79 ટકા અને અૉક્સિજન બેડ ઓક્યુપન્સી 23.56 ટકા નોંધાઈ હતી. લેવલ વન માટે પોઝિટિવિટી રેટ પાંચ ટકા કરતા નીચો અને અૉક્સિજન બેડ ઓક્યુપન્સી 25 ટકા નીચી હોવી જોઈએ. લેવલ-2 માટે પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચો અને અૉક્સિજન બેડ ઓક્યુપન્સી 25થી 40 ટકા વચ્ચે હોવી જોઈએ. તો લેવલ-3 માટે પોઝિટિવિટી રેટ 5ણ 10 ટકા વચ્ચે અને અૉક્સિજન બેડ ઓક્યુપન્સી 40 ટકાથી વધુ હોવી જરૂરી છે. 
અત્યારે મુંબઈ લેવલ-3ના લૉકડાઉન હેઠળ હોવાથી મર્યાદિત છૂટછાટ મળી રહી છે. ગયા અઠવાડિયે મુંબઈનું લેવલ માપદંડના હિસાબે લેવલ-વનમાં આવે છે. એ હિસાબે શહેરમાં એકદમ ઓછા પ્રતિબંધો હોવા જોઈએ. 
જોકે, મુંબઈ મહાનગર-પાલિકાના કમિશનરે પરિસ્થિતિ હજુ એકદમ નિયંત્રણમાં આવી નહી હોવાથી વધુ રાહત આપવાનું નકારી દીધું હતું. મુંબઈમાં હજુ રોજના 700-800 કેસ નોંધાઈ રહ્યા છે અને પોઝિટિવિટી રેટ 3.79 ટકા જેટલો છે. અત્યારે એટલું જ કહી શકાય કે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, એક વખત કેસ 100-150 જેટલા જ નોંધાય અને પોઝિટિવિટી રેટ 1-15 ટકા જેટલો નીચે આવે તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું કહી શકાય, એમ પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલે પત્રકારોને જણાવ્યું હતું. 
આમ છતાં મુંબઈ મહાનગરપાલિકા આવતા અઠવાડિયે શહેરમાં થોડી છૂટછાટ આપે એવી શક્યતા છે પણ હાલ તુરત લેવલ ત્રણથી બે કે એક નહીં કરે, એમ પાલિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અત્યારે મુંબઈમાં લેવલ-3ના પ્રતિબંધો અમલમાં છે. એ સાથે અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મુંબઈને અડીને આવેલા જિલ્લાઓમાં કેસમાં ઘટાડા જેવી બાબતોને ધ્યાનમાં લીધા બાદ મુંબઈના લેવલ-3ને બદલવા અંગે વિચારણા કરી શકે છે. જોકે, અત્યારે મુંબઈ લેવલ-3માં જ રહેશે, એમ ઇકબાલ સિંહ ચહલે શુક્રવારે જણાવ્યું હતું. 
મુંબઈ મહાપાલિકાના જાહેર આરોગ્ય ખાતાના ઇન્ચાર્જ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, અમે લેવલ-3 સ્ટેટસને બદલવા અગાઉ અમે એક-બે અઠવાડિયા રાહ જોવા માગીએ છીએ. આવતા અઠવાડિયે, અમે કદાચ પ્રતિબંધો હળવા કરવા અંગે વિચારણા કરશું. મુંબઈના સ્ટેટસ બદલવા ઘણી બાબતો પર વિચાર કરવો જરૂરી છે. જો અમે અત્યારના પ્રતિબંધોને હળવા કરીએ અને કેસની સંખ્યા ઝડપથી વધે તો એને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બનશે. ટાસ્ક ફોર્સની ભલામણોના આધારે મુંબઈના પ્રતિબંધો હળવા કરવા અંગે વિચારણા કરાશે. મુંબઈમાં નિયમો હળવા કરવા અગાઉ બાજુના જિલ્લાઓમાં કેટલા કેસ નોંધાય છે એનું પણ ધ્યાન રાખવું પડશે, એમ કાકાણીએ જણાવ્યું હતું. જો આ સમયગાળા દરમિયાન બાજુના જિલ્લાઓમાં કેસનું પ્રમાણ વધુ હશે તો આપણે ઘણા સાવચેત રહેવું પડશે. 
મુંબઈમાં અત્યારે 10,934 અૉક્સિજન બેડ છે જેમાંથી 1949 ઉપયોગમાં લેવાયા છે. તો 2635 આઇસીયુ બેડમાંથી 1170 બેડ ખાલી છે. જ્યારે 1455 વૅન્ટિલેટર બેડમાંથી 504 ખાલી છે.
કાકાણીએ કહ્યું કે આઇસીયુ અને વૅન્ટિલેટર બેડ ખાલી છે એ હાલ મહત્ત્વનું નથી, પણ જો પ્રતિબંધો હળવા કરાયા બાદ કેસમાં ઝડપથી વધારો થઈ શકે છે, અમે કોઈ જોખમ લેવા માગતા નથી. 
મુંબઈમાં શુક્રવારે 758 કેસ નોંધાયા હતા જ્યારે 19 દરદી મૃત્યુ પામ્યાં હતાં. તો શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા 18,764 છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer