મિલ્ખા સિંહ પંચતત્ત્વમાં વિલીન

મિલ્ખા સિંહ પંચતત્ત્વમાં વિલીન
રાજકીય સન્માન સાથે દોડવીરને અંતિમ વિદાય : વડા પ્રધાન મોદી, ડબ્લ્યુએચઓ પ્રમુખ સહિતનાઓએ આપી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, તા. 19 : દેશના દમદાર દોડવીર અને પોતાની ઉપલબ્ધીઓથી દુનિયામાં ભારતનું નામ રોશન કરનારા એથલીટ મિલ્ખા સિંહનું શુક્રવારે મોડી રાત્રે નિધન થયું હતું. કોરોના સામેની લડાઈ બાદ તેઓ જીવનનો જંગ હારી ગયા હતા. ચાલુ અઠવાડિયે મિલ્ખા સિંહના પત્નીનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. મિલ્ખા સિંહે 91 વર્ષની ઉમરે અંતિમ શ્વાસ ભર્યા હતા. જ્યારે નિર્મલ મિલ્ખા સિંહ 85 વર્ષના હતા. મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર શનિવારે સાંજે ચંડીગઢના સેક્ટર 25 સ્થિત સ્મશાન ઘાટમાં  રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલા મિલ્ખા સિંહ કોરોના નેગેટિવ થયા હતા પણ અચાનક તેમની તબિયત નાજુક બનવા લાગી હતી. ત્યારબાદ તેઓને ચંડીગઢની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું. મિલ્ખા સિંહ પત્નીના દાહ સંસ્કારમાં પણ સામેલ થઈ શક્યા નહોતા. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મિલ્ખા સિંહ 3 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 13 તારીખ સુધી તેઓનો કોરોના ઈલાજ ચાલી રહ્યો હતો અને તેઓ કોરોના નેગેટિવ આવ્યા હતા. જો કે બાદમાં પોસ્ટ કોવિડ પરેશાનીઓના કારણે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે ડોક્ટરોની ટીમની પૂરતી કોશિશ છતા પણ તેઓ ગંભીર સ્થિતિમાંથી બહાર આવી શક્યા નહોતા અને 18 જૂનના રાતે 11.30 વાગ્યે સ્વર્ગ માટે પ્રસ્થાન કરી ગયા હતા.  મિલ્ખા સિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ડબલ્યુએચઓના વડા, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ખેલ મંત્રી કિરણ રિજજુ, સીડીએસ બિપિન રાવત સહિતના લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer