18 દિવસમાં મુંબઈમાં છેલ્લા 10 વરસનો ત્રીજો સૌથી વધુ વરસાદ નોંધાયો

18 દિવસમાં મુંબઈમાં છેલ્લા 10 વરસનો ત્રીજો સૌથી વધુ વરસાદ નોંધાયો
મુંબઈ, તા. 19 : આ વરસે મુંબઈમાં સમયસર પધારેલા મેઘરાજાએ દમદાર શરૂઆત કરી છે. 18 દિવસમાં 841 મિમી વરસાદ નોંધાયો છે જે છેલ્લા એક દાયકાનો ત્રીજો સૌથી વધુ વરસાદ પડ્યો છે. જૂન 2015માં સૌથી વધુ 1106 મિમી વરસાદ નોંધાયો હતો જ્યારે 2013માં 1029 મિમી વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. 
જોકે, તળાવોની સપાટીમાં ઉલ્લેખનીય વધારો થયો નથી. શુક્રવારે શહેરને પાણી પૂરું પાડતાં સાત તળાવોમાં પાણીનો કુલ જથ્થો 1.86 લાખ મિલિયન લિટર (12.9 ટકા) જેટલો હતો. ગયા વરસે આ તારીખે એ લગભગ 1.67 લાખ મિલિયન જેટલો હતો. 
ગુરુવારે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, ખાસ કરીને પૂર્વનાં ઉપનગરો અને આસપાસના વિસ્તારો જેવા કે થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં 100 મિમી કરતાં વધુ વરસાદ પડ્યો હતો. 
આઈએમડીના ડેટા મુજબ જૂનમાં સૌથી વધુ વરસાદ 8-12 જૂન દરમિયાન નોંધાયો હતો, જ્યારે 9-10 દરમિયાન 231.3 મિમી વરસાદ નોંધાયો હતો. આને પગલે શહેરમાં મહિનાનો સરેરાશ વરસાદ 505 મિમી થયો છે. 
પાલિકાના હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વનાં પરાંમાં 24 કલાક દરમિયાન 110 મિમી વરસાદ પડ્યો હતો. જ્યારે દહાણુ (219 મિમી), પાલઘર (140 મિમી) વરસાદ પડ્યો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન ઓબ્ઝર્વેટરીએ 189.9 મિમી, થાણે-બેલાપુર ખાતે 207 મિમી વરસાદ નોંધાયો હતો. વરસાદ અતિભારેની શ્રેણીમાં હોવા છતાં કોઈ ચેતવણી જારી કરવામાં આવી નહોતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer