ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં ભારતની ધીમી પણ મક્કમ શરૂઆત

ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં ભારતની ધીમી પણ મક્કમ શરૂઆત
ખરાબ પ્રકાશના વિઘ્ન વચ્ચે ભારતના 3 વિકેટે 134 રન : કોહલી અને રહાણેએ કિવિ બૉલરોને કર્યા પરેશાન
નવી દિલ્હી, તા. 19: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મેચમાં પહેલો દિવસ વરસાદમાં ધોવાયા બાદ બીજા દિવસે ભારતીય ટીમે સારી શરૂઆત બાદ બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. ઓપનિંગમાં ઉતરેલો રોહિત શર્મા 34 રને અને શુભમન ગિલ 28 રને આઉટ થયા હતા. બાદમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી અને ન્યુઝિલેન્ડના બોલરોને પરેશાન કર્યા હતા. બન્ને ખેલાડીએ ધીમી પણ મક્કમ બેટિંગ કરી હતી. આ દરમિયાન ખરાબ પ્રકાશના કારણે મેચમાં વિઘ્ન સર્જાયું હતું.
વરસાદની સંભાવના વચ્ચે બીજા દિવસે ન્યુઝિલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ભારત તરફથી ઓપનિંગ કરવા ઉતર્યા હતા. જેમાં બન્નેએ પહેલી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 68 બોલમાં 34 રન બનાવીને જેમિસનની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માની વિકેટ બાદ શુભમન ગિલ પણ ઝડપથી આઉટ થયો હતો. વેગનરે ગિલને 28 રનના અંગત સ્કોરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 
આ સાથે જ ભારતનો સ્કોર 2 વિકેટ ગુમાવીને 63 રન થયો હતો. ત્યારબાદ ચેતેશ્વર પુજારા પણ 8 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ વિકેટનું પતન રોક્યું હતું. કોહલીએ 58.4 ઓવર સુધીમાં 105 બોલમાં 40 રન કર્યા હતા જ્યારે રહાણેએ 62 બોલમાં 22 રન કર્યા હતા. ટી બ્રેક બાદ મેચમાં ખરાબ પ્રકાશનાં કારણે વિઘ્ન સર્જાયું હતું અને મેચ રોકવાની ફરજ પડી  હતી. આ અગાઉ મેચનો પહેલો દિવસ વરસાદમાં ધોવાઈ જતા ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer