શૅરબજારમાં નાણાંના જોરે તેજીનો અતિરેક ?

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : આ સપ્તાહે શૅરબજારો નવી ટોચને સ્પર્શીને પાછાં ફર્યાં હતાં. દેશના અર્થતંત્રમાં સ્થિરપણે સુધારો થઈ રહ્યો છે પરંતુ શૅરબજારની તેજી અર્થતંત્રના સુધારા કરતાં ક્યાંય ઝડપી છે. અર્થતંત્રની વાસ્તવિકતા અને શૅરબજારની તેજી વચ્ચેની વિસંગતિ વધી રહી છે. શૅરબજાર ભવિષ્યમાં કંપનીઓના નફા વધવાનો આશાવાદ ધરાવે છે, જોકે કોવિડના પ્રકોપની અનિશ્ચિતતા વચ્ચે આગામી સમય માટેનો આશાવાદ ઘટયો છે, એમ સેમકો વેન્ચર્સના સીઈઓ જીમિત મોદીએ કહ્યું હતું. 
તેમણે ઉમેર્યું કે રોકાણકારો હવે ભવિષ્યના જો તો કે પણ બણનો વિચાર કરતા નથી. તેઓ ફક્ત પોતાના શૅરનો ભાવ કેટલો વધે છે તે જુએ છે. ફુગાવા કરતા વધુ રોકાણ મેળવવા તેઓ શૅરોમાં રોકાણ કરે છે.  વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પણ વર્ષ 2020ની શરૂઆતમાં 80ના સ્તરે હતો, જે હવે ઘટીને 15 થયો છે. આમ છતાં બધી લિક્વિડિટી સારા શૅર્સમાં નથી. અમૂક રિટેલ રોકાણકારો શૅરની પૂરતી જાણકારી મેળવ્યા વિના રોકાણ કરી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે શૅર બજાર ફક્ત ઝડપી નાણાં બનાવવાનું કેન્દ્ર બનતું જાય છે. 
આઈપીઓમાં પણ આવા પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. શૅરોનાં ભરણાં સો ગણાથી વધુ ભાઈ જાય છે કેમ કે નાણાંની રેલમ છેલ છે. કોરોના મહામારીમાં પણ ટ્રાવેલ, ટુરિઝમ અને હૉસ્પિટાલિટી ક્ષેત્રોની કંપનીઓના શૅર્સ વિક્રમી ઉંચાઈએ ટ્રેડ થઈ રહ્યા છે. આમ આ કંપનીઓની આવક કરતા તેમનું મૂલ્યાંકન વધુ છે તેથી રોકાણકારોએ શૅર્સની પસંદગી ધ્યાનપૂર્વક કરવી જોઈએ. 
ટેકનિકલ દૃષ્ટિએ જોતા નિફ્ટી 50 સૂચકાંક સતત ચાર અઠવાડિયા સુધી વધ્યા બાદ આ અઠવાડિયે તેજી અટકી છે. બૅન્ચમાર્ક સૂચકાંક ધીમી ગતિએ વધી રહ્યો છે અને ગ્રાફમાં મંદી સૂચક પેટર્નની રચના થઈ રહી છે. ટૂંકા ગાળામાં બજારમાં વધુ પડતી લેવાલી થતા નિફ્ટી ટૂંકા ગાળે 15,200ની સપાટીએ આવી શકે છે. નોંધપાત્ર ઘટાડો ત્વરિત થશે નહીં, નફારૂપી વેચવાલીનું જોર ઓછું રહેશે. નિફ્ટીને ત્વરિત ટેકો 15,350 અને પ્રતિકાર 15,900ના સ્તરે મળશે.
આગામી અઠવાડિયે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. તેમ જ કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટની અસર જોવાની રહેશે. અમૂક ક્રેડિટ ઈન્સેન્ટિવને લીધે હૅલ્થકૅર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ગતિ આવતા સંબંધિત કંપનીઓના શૅર્સમાં તેજી આવી શકે છે. જોકે એન્ટરટેઈનમેન્ટ, એવિયેશન, મોલ્સ અને હૉસ્પિટાલિટી શૅર્સની તેજી માત્ર નિયંત્રણો ઉઠાવી લેવાના આશાવદ પર ટકેલી છે. રોકાણકારોને સલામતિથી ટ્રેડિંગ કરવાની સલાહ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer