મહારાષ્ટ્રમાં સહિયારી સરકાર રચવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે

શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે બધું સમુંસૂતરું નથી
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓ એકલે હાથે લડવાનો નારો આપનારા કૉંગ્રેસની શિવસેનાના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આકરા શબ્દોમાં ઉધડો લેતાં કહ્યું છે કે હાલના કોરોનાના કપરા કાળમાં સ્વબળે ચૂંટણી લડવાની વાતો કરનારાઓને લોકો પગરખાં મારશે. ઉદ્ધવ ઠાકરેના આ વિધાનને કૉંગ્રેસને અપાયેલી આકરી ચેતવણી સમાન ગણવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર રચવા અંગે કશુંક રંધાઈ રહ્યું હોવાના સંકેત મળ્યા છે. `આઘાડી' સરકારમાં શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે બધું સમુંસૂતરું નથી એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગત 28મી મેએ દિલ્હીમાં તેમના સાથી પ્રધાનો - અજિત પવાર (રાષ્ટ્રવાદી) અને અશોક ચવ્હાણ (કૉંગ્રેસ) સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તે સમયે બાદમાં મોદી અને ઠાકરે વચ્ચે વન-ટુ-વન બેઠક પણ યોજાઈ હતી. તેમાં મોદીએ મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે સરકાર રચવાની ફૉર્મ્યુલા સૂચવી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠક પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે તુરત જ પત્રકારો સમક્ષ નિવેદન કર્યું હતું કે શિવસેના એ વિશ્વાસપાત્ર રાજકીય પક્ષ છે.
ભાજપનાં આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી કે મોદીએ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદ વર્તમાન વિધાનસભાની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી આપવાની અૉફર કરી છે. તેના બદલામાં ભાજપને બે નાયબ મુખ્ય પ્રધાનપદ આપવામાં આવે. બીજી એક શક્યતા એ છે કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ  વિનાની શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી વચ્ચે સહિયારી સરકાર પણ રચાઈ શકે છે.
કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પાટોલેએ છેલ્લાં કેટલાંક સપ્તાહથી વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાની અને પક્ષ સંમતિ આપે તો પોતે મુખ્ય પ્રધાનપદના દાવેદાર થવા તૈયાર હોવાનાં વિધાનો કર્યાં હતાં. તે વિધાનો પ્રત્યે શિવસેનાના મુખપત્ર `સામના'માં અણગમો વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે આજે શિવસેનાના 55મા સ્થાપના દિન નિમિત્તે કૉંગ્રેસની આગામી ચૂંટણી એકલે હાથે લડવાના સંકલ્પની આકરા શબ્દોમાં ટીકા કરી તેનાથી સ્પષ્ટ થાય છે કે મોદીએ કરેલી અૉફરને આધારે જ ઉદ્ધવ ઠાકરેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને કદાચ સંબંધો વણસે અને કૉંગ્રેસ સમર્થન પાછું ખેંચે તો ભાજપનો ટેકો મળી રહેશે એ બાબતે નિશ્ચિંત છે. તેના કારણે જ ઉદ્ધવે વર્તમાન સમયમાં સ્વબળે ચૂંટણી લડવાની વાતો કરનારાઓને લોકો પગરખાંથી મારશે અને તલવાર ઊંચકવાની તાકાત નથી એ લોકો સ્વબળે ચૂંટણી લડવાની વાતો કરે છે એવા આકરા શબ્દોમાં કૉંગ્રેસ અને પાટોલેને ઝાટકણી કાઢી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer