2013 બાદ પહેલીવાર ગંગાનું જળસ્તર ચાર લાખ ક્યુસેક

કાનપુરમાં હાઇ એલર્ટ : પુલમાં તિરાડો પડી : સિંચાઇનું પાણી થયું બંધ
હરિદ્વાર, તા. 19 : પાડોશી નેપાળમાં વિનાશક પૂરપ્રકોપે જનજીવનની હાલત ખરાબ કરી નાખી છે. ગંડકી પ્રાન્તના મનાંગ અને સિંધુપાલ ચોકમાં કુદરતના કોપથી 16 લોકોનાં મોત થઈ ગયાં છે, તો 22 લાપતા છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા.
નેપાળની આફતની અસર ભારતનાં બિહાર, ઉત્તરાખંડ સહિત ભાગોમાં પણ થઈ છે. બિહારમાં ગંગા સહિત અનેક મોટી નદીઓમાં જળસ્તર વધવા લાગ્યું હતું. હિમાલય પહાડોમાં સતત થઇ રહેલી વર્ષાથી શનિવારે ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વર્ષ 2013 પછી પહેલીવાર ગંગાનું જળસ્તર જોખમના નિશાનથી ઉપર વહેતાં ત્રણ લાખ 92 હજાર 404 ક્યુસેક સુધી પહોંચી ગયું છે.
જળસ્તર વધતાં હરિદ્વારથી લઇને કાનપુર સુધી હાઇએલર્ટ જારી કરીને ભીડગોડાના બધા ગેટ એકસાથે ખોલી નાખવામાં આવ્યા છે. 
આડશો ખૂલી જતાં ગંગા નહેર દ્વારા ઉત્તરપ્રદેશ માટે સિંચાઇ માટે છોડાનારું પાણી બંધ થઇ ગયું. બીજીબાજુ પાણીના પ્રવાહથી ચંડી ટાપુને જોડવા માટે મહાકુંભમાં બનાવવામાં આવેલા હંગામી પુલમાં તિરાડો પડી ગઇ હતી. નમામી ગંગા ઘાટ પાણીમાં ડૂબી ગયા હતા. જો કે, જાનમાલને નુકસાન થયું નથી. 
પહાડોની વરસાદની સીધી અસર હરિદ્વાર જ નહીં બલ્કે ઉત્તરપ્રદેશ સુધી થાય છે. અહીં ભીમગોડા પર ઉત્તરપ્રદેશ સિંચાઇ વિભાગના ગેટ છે. જેની ક્ષમતા 293 મીટર જળસ્તર રોકવાની છે. જો કે, પહાડોમાં સતત વરસાદથી શુક્રવાર રાતે એલર્ટ જારી કરી દેવામાં આવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer