પ્રૉપર્ટી ટૅક્સ પછી હવે પાલિકાએ ઘડયો પાણીના દરમાં વધારાનો પ્રસ્તાવ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : મુંબઈ પાલિકાએ પ્રૉપર્ટી ટૅકસમાં વધારો કરવાનો નિર્ણય કર્યો અને અત્યારે એનો અમલ કોરોનાને કારણે મોકૂફ રાખ્યો છે, પણ હવે પાલિકાએ પાણીના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. પાલિકાએ  પાણીના દરમાં વધારો કરવાનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરી માટે આપ્યો છે. આવતા વર્ષે પાલિકાની ચૂંટણી હોવાથી અત્યારે આ પ્રસ્તાવને અત્યારે મંજૂરી નહીં મળે એવી શક્યતા છે. 
રેડીરેકનરના દર પ્રમાણે પ્રૉપર્ટી ટૅક્સમાં સુધારો કરવાનો પ્રસ્તાવ બુધવારે સ્થાયી સમિતિમાં પાલિકા પ્રશાસને મૂક્યો હતો. તમામ પક્ષના વિરોધને કારણે આ પ્રસ્તાવ અત્યારે મુલતવી રાખવામાં આવ્યો હતો. 
દર વર્ષે જૂન મહિનામાં પાણીના દરમાં આઠ ટકા સુધીનો વધારો કરવાની પરવાનગી પાલિકા પાસે છે. એ પ્રમાણે આઠ ટકા વધારો કરવાનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસને સ્થાયી સમિતિને આપ્યો છે. 
પાણી વિભાગના ખર્ચમાં અધધધ વધારો થયો છે. 2019-20માં ખર્ચ 181.87 કરોડ હતો જે 2020-21માં વધીને 1033.78 કરોડનો થઈ ગયો હતો. એટલે પાલિકા પ્રશાસન આઠ ટકાનો વધારો કરવા માગે છે. 
2012માં પાલિકાએ દર વર્ષે પાણીના દરમાં આઠ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધેલો. જોકે, ગયા વર્ષે કોરોનાને કારણે આ વધારો ટાળવામાં આવ્યો હતો. 
પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ પાલિકા પ્રશાસને કાયદા સમિતિમાં પણ આપ્યો છે. 
એટલે સોમવારે મળનારી આ સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવ પર શું નિર્ણય લેવાય છે એ જોવાનું રસપ્રદ બનશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer