કોલકાતા હાઈ કોર્ટના જજ સામે ભાજપ સાથે સંબંધનો આક્ષેપ

નંદીગ્રામ કેસ અન્ય ખંડપીઠને સોંપવા દીદીની માગણી 
કોલકાતા, તા. 19 : નંદીગ્રામ બેઠકથી મમતા બેનરજી અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ અને ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ચૂંટણી લડી હતી. જેમાં મમતા બેનરજીની હાર થઈ હતી. સીએમ મમતાએ ચૂંટણી પંચ ઉપર ગરબડનો આરોપ મુક્યો હતો. હવે આ મામલે મમતા બેનરજીએ કોલકાતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જો કે અરજી જે ખંડપીઠ પાસે સુનાવણી માટે પહોંચી છે. તેના જસ્ટિસ કૌશિક ચંદા ઉપર ભાજપ સાથે સંબંધ હોવાનો આરોપ  લાગ્યો છે. મમતા બેનરજીના વકીલે પત્રમાં દાવો કર્યો છે કે જાણમાં આવ્યું છે કે જેઓ મમતા બેનરજીની અરજી ઉપર સુનાવણી કરવાના હતા તેઓ ભાજપના સક્રિય સભ્ય હતા. ચૂંટણી સંબંધિત અરજીનું રાજનીતિ પરિણામ આવે તેના કારણે મામલાને અન્ય ખંડપીઠને સોંપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. વધુમાં પક્ષપાતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ માગણી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના વકીલે કોલકાતા હાઈકોર્ટને પત્ર લખીને કરી છે. મમતા બેનરજીએ અરજીમાં નંદીગ્રામ બેઠક ઉપરથી સુવેન્દુ અધિકારીની જીતને પડકારી છે. પત્રમાં કૌશિક ચંદ્રાની કોલકાતા હાઈકોર્ટમાં નિયુક્તિને લઈને પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer