30થી 44 વર્ષના નાગરિકોને મફત રસી આપવાની પાલિકાની શરૂઆત

મુંબઈમાં દસ સ્થળોએ 30થી 44 વર્ષની વયજૂથના નાગરિકોને રસી આપવાનો પ્રારંભ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં 30થી 44 વર્ષથી વચ્ચેના લોકોને નિ:શુલ્ક રસી આપવાની શનિવારથી શરૂઆત થઈ હતી. 30થી નાની વયના લોકોને મફત રસી આપવાનું અત્યારે મોકૂફ રખાયું છે. 30થી 44 વર્ષના વયજૂથના લોકોને મુંબઈમાં એપોઈન્ટમેન્ટથી માત્ર દસ રસી કેન્દ્રોમાં રસી અપાશે. આ વયજૂથના લોકો માટે મુંબઈ પાલિકા પાસે રસીના 15 લાખ ડૉઝ છે. 
છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં રોજ સરેરાશ 2.9 લાખ લોકોને રસી આપવામાં આવે છે. શુક્રવારે મુંબઈમાં 61,710 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી મુંબઈમાં 43.90 લાખ લોકોને રસીનો એક ડૉઝ આપવામાં આવ્યો છે. 18થી 44 વર્ષના વયજૂથમાં દસ લાખથી વધુ લોકોને રસી અપાઈ છે અને એમાંથી 9.10 લાખ જેટલી રસી ખાનગી હોસ્પિટલે આપી છે. ખાનગી હોસ્પિટલો 790થી 1400 રૂપિયા વચ્ચે રસીનો ચાર્જ કરે છે. 18થી 44 વર્ષના વયજૂથના લોકોને રસી આપવાનું સરકારે 12 મેથી બંધ કર્યું એ બાદ ખાનગી હોસ્પિટલો આ વયજૂથને રસી આપવામાં આગળ રહી છે. સરકાર 45 વર્ષથી ઉપરના લોકોને રસીનો બીજો ડૉઝ આપવાને પ્રધાન્ય આપવા માગતી હોવાથી 18થી 44 વર્ષના લોકોને રસી આપવાનું બંધ કરવાની જાહેરાત કરી હતી. 
18થી 44 વર્ષના લોકોની વસ્તી મુંબઈમાં 59 લાખની આસપાસ છે અને એમાંથી 30થી 44 વર્ષના લોકોની સંખ્યા 31 લાખની આસપાસ છે. 
મુંબઈનાં જે દસ સેન્ટરોમાં શનિવારથી 30થી 44 વર્ષની વયજૂથના લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી એમાં પ્રિયદર્શિની પાર્ક (નેપયન્સી રોડ), પાલિકાની મુરલી દેવરા આઈ હોસ્પિટલ (કામાઠીપુરા), ઍકવર્થ લેપરેસી (વડાલા), શેઠ આયુર્વેદિક (સાયન), ભાભા હોસ્પિટલ (બાંદરા), એમ.ડબ્લ્યુ. દેસાઈ (મલાડ), ક્રાંતિજ્યાતિ સાવિત્રીબાઈ ફુલે (બોરીવલી), જોલી જિમખાના (ઘાટકોપર), દેવનાર મેટરજી હોમ (ગોવંડી) અને વી.ડી. સાવારકર હોસ્પિટલનો સમાવેશ છે. 45 વર્ષથી ઉપરનાને પણ રસી આપવાની ઝુંબેશ ચાલુ જ રહેશે. ખાનગી હોસ્પિટલોમાં 18થી 30 વર્ષના લોકોને રસી આપવાનું ચાલુ રાખશે. 
મહારાષ્ટ્ર સરકારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 2.7 કરોડ લોકોને રસી આપી છે. આમાંથી 2.15 કરોડ લોકોએ રસીનો પહેલો ડૉઝ લીધો છે. 53.7 લાખ લોકોએ રસીના બન્ને ડૉઝ લીધા છે. સરકારનું કહેવું છે કે રસીના ડૉઝનો સપ્લાય નિયમિત પૂરતા પ્રમાણમાં મળે તો રોજ 3.5થી ચાર લાખ લોકોને રસી આપી શકાય એમ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer