એમસીએક્સમાં સોનાના વાયદાના ભાવમાં રૂ. 2,240નો સાપ્તાહિક કડાકો

મુંબઈ, તા. 19 : એમસીએક્સમાં વિવિધ કૉમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 જૂન દરમિયાન 21,05,979 સોદાઓમાં કુલ રૂા.1,57,321.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.  
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂા. 2,240 અને ચાંદીના વાયદામાં કિલોદીઠ રૂા.4,400નો કડાકો સપ્તાહ દરમિયાન બોલાઈ ગયો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડતેલમાં બેરલદીઠ રૂા.122નો ઉછાળો હતો. નેચરલ ગૅસ પણ તેજ બંધ થયું હતું. કૃષિ કૉમોડિટીઝમાં કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂા. 440 ગબડ્યો હતો. સીપીઓ, કપાસ અને રબરના વાયદામાં સાર્વત્રિક નરમાઈ હતી. મેન્થા તેલ સુધરીને બંધ થયું હતું.  
વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટીને 1 ઔંશદીઠ 1778 ડૉલર અને ચાંદીના ભાવ ઘટીને 1 ઔંશદીઠ રૂા. 26.05 ડૉલરના સ્તરે પહોંચ્યા હતા. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે આયાત પડતર નીચી ઊતરતાં ઘરેલૂ હાજર બજારમાં વેચનારા વધુ અને લેનારા ઓછા જોવા મળ્યાના સમાચાર હતા, જેને પગલે સપ્તાહના અંતે સ્થાનિકમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ ઘટીને 99.50ના રૂા. 48,800 અને 99.90ના રૂા.49000 સુધી પહોંચ્યો હતો, જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ કિલોદીઠ ઘટીને રૂા.70,000ના સ્તરે બોલાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 
સ્થાનિક બજારમાં કીમતી ધાતુઓમાં એમસીએક્સમાં સોના-ચાંદીમાં 11,56,655 સોદાઓમાં કુલ રૂા.64,423.80 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું અૉગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂા.49,283ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.49,399 અને નીચામાં રૂા.46,744ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂા.2,240 ઘટી રૂા.46,958ના સ્તરે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂા.1,495 ઘટી રૂા.37,766 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂા.205 ઘટી રૂા.4,642ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂા.72,249 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.72,798 અને નીચામાં રૂા.67,512ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,400 ઘટી રૂ.67,599ના સ્તરે બંધ થયો હતો.  
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 21,382 સોદાઓમાં રૂા.1,745.67 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 12,183 સોદાઓમાં રૂા.1,009.55 કરોડનાં 13,501 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 9,199 સોદાઓમાં રૂા.736.12 કરોડનાં 9,856 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,210 લોટ્સના નોંધપાત્ર સ્તરે અને મેટલડેક્સ વાયદામાં 1,144 લોટ્સના રેકોર્ડ સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 15,267ના સ્તરે ખૂલી, ઉપરમાં 15,344 અને નીચામાં 14,465ના સ્તરને સ્પર્શી, 879 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 764 પોઈન્ટ ઘટી 14,493ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જૂન વાયદો 15,127ના સ્તરે ખૂલી, 840 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 575 પોઈન્ટ ઘટી 14,499ના સ્તરે પહોંચ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer