મુંબઈના છ સ્યુએજ પ્લાન્ટ ભારતના સૌથી મોંઘા : ભાજપ

મુંબઈ, તા. 19 : બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ છ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) માટેની પાલિકાની અંદાજિત કિંમત કરતાં 30 ટકા વધુ બોલી લગાવી હોવાનું જણાયા બાદ, ભાજપે ટેન્ડરની શરતો સાથે કાર્ટેલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો અને દેશના સૌથી મોંઘા એસટીપી સ્થાપવાનો આક્ષેપ કર્યો હતો. 
વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે નવી મુંબઈ અને દિલ્હી સહિત સમગ્ર ભારતમાં 60 એસટીપી સ્થાપિત કરવાનાં પ્રકરણોનું અધ્યયન કર્યા બાદ જણાવ્યું કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સરેરાશ ખર્ચ 1.7 કરોડ/મિલિયન લિટર પ્રતિદિન આવે છે. પરંતુ મુંબઈ મહાપાલિકાને મળેલાં ટેન્ડર મુજબ એ 7.5 કરોડ રૂપિયા / એમએલડી થશે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ છ ગણી છે. 
ભાજપના દેવેન્દ્ર ફડણવીસે માગણી કરી છે કે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેના વધારેલા ભાવનાં ટેન્ડર રદ કરવાં જોઇએ. એસટીપી પ્રોજેક્ટ ઘણા મહત્ત્વના છે અને એ લગભગ પાંચેક વરસથી વિલંબમાં પડ્યા છે, પરંતુ અમે આ રીતે કામ થવા નહીં દઇએ. પાલિકાએ હાલનાં ટેન્ડરને રદ કરવાં જોઇએ અને નવેસરથી ટેન્ડર મગાવવા જોઇએ. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં પારદર્શિતા હોવી જોઇએ જ્યાં ટેન્ડરની પ્રક્રિયા સ્પર્ધાત્મક હોય, પ્રતિબંધાત્મક નહીં, એમ ફડણવીસે જણાવ્યું હતું. 
પ્રોજેક્ટની કિંમતના વધવાના આક્ષેપને કારણે પ્રદૂષિત કચરાને નદીઓ અને દરિયામાં જતાં અટકાવવા સાત એસટીપીની ચેઇન બનાવવાની મહાપાલિકાની મહત્ત્વાકાંક્ષી યોજનામાં વિલંબ થઈ રહ્યો છે. પાલિકાને કુલ છ પ્રોજેક્ટ માટે ટેન્ડર મળ્યાં છે, જે 15 હજાર કરોડ રૂપિયાના છે. પાલિકાએ સાતમા એસટીપી માટે નવું ટેન્ડર મગાવવાનો નિર્ણય લીધો છે. 
મેં દરિયામાં સ્યુએજ ડિસ્ચાર્જ કરવા માટે નવા માપદંડ અપનાવવા માટે ઘણું ફોલોઅપ કર્યું છે, પરંતુ પાલિકાનો ખર્ચ જરા પણ વ્યાજબી નથી. ટેન્ડરની શરતો એટલી પ્રતિબંધાત્મક હતી કે અમુક કંપનીઓ જ ભાગ લઈ શકતી હતી અને મોટા પાયે કાર્ટેલાઇઝેશન હતું. મેં દેશભરમાં 60થી વધુ એસટીપીના ભાવનો ડેટા ભેગો કર્યો છે. પાલિકાના દર સરેરાશ કરતાં છ ગણા વધુ છે જે સ્વીકાર્ય નથી, એમ ફડણવીસે જણાવ્યું. 
એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) પી. વેલારાસુએ કહ્યું કે પાલિકાએ ટેક્નિકલ પ્રસ્તાવનો અભ્યાસ કરવા અને વ્યાજબી દર અંગેના અભ્યાસ માટે ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ સહિતની ત્રણ કમિટી બનાવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer