વિશ્વયોગ દિવસ નિમિત્તે ટપાલ વિભાગ સ્પેશિયલ કૅન્સલેશન સ્ટૅમ્પ બહાર પાડશે

મુંબઈ, તા. 19 : ભારતીય ટપાલ વિભાગ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21મી જૂને સચિત્ર ડિઝાઈન સહિતની એક વિશેષ કૅન્સલેશન સ્ટૅમ્પ બહાર પાડશે. ટપાલ વિભાગ દેશની મુખ્ય 810 પોસ્ટ અૉફિસ દ્વારા આ સ્પેશિયલ કૅન્સલેશન સ્ટૅમ્પ બહાર પાડશે. 
દેશની તમામ ડિલિવરી અને નોન-ડિલિવરી મુખ્ય પોસ્ટ અૉફિસ 21મી જૂને બુક કરાયેલી તમામ ટપાલ પર આ વિશેષ કૅન્સલેશન સ્ટૅમ્પ લગાડશે. ઈશાન મુંબઈ ડિવિઝન હેઠળની ચેમ્બુર હેડ પોસ્ટ અૉફિસમાં પણ 21મી જૂને દરેક ટપાલ પર સ્પેશિયલ કૅન્સલેશન સ્ટૅમ્પ લગાડવામાં આવશે. આ વિશેષ કૅન્સલેશન સ્ટૅમ્પ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021ની ચિત્રાત્મક આકૃતિ સાથે હશે. કૅન્સલેશનને ચિહ્નાંકિત તરીકે પરિભાષિત કરાયું છે. સ્ટૅમ્પનો ફરીથી ઉપયોગ રોકવા માટે એ રદ કરવા કૅન્સલેશન સ્ટૅમ્પ લગાડવામાં આવે છે. આવી ટપાલટિકિટ અમૂલ્ય સંગ્રહ ગણાય છે અને અભ્યાસનો વિષય હોય છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી યોગ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ટપાલ ટિકિટ માટે લોકપ્રિય વિષય બન્યા છે. 2015માં ટપાલ વિભાગે યોગ દિવસ નિમિત્તે બે સ્ટૅમ્પનો સેટ અને મિનિએચર શીટ બહાર પાડયાં હતાં. 2016માં વડા પ્રધાને સૂર્યનમસ્કાર સંબંધિત ટિકિટો બહાર પાડી હતી. 2017માં ન્યૂ યૉર્કમાં યુએન પોસ્ટલ ઍડમિનિસ્ટ્રેશને દસ પ્રકારના યોગાસનો દર્શાવતી ટિકિટનો સેટ બહાર પાડયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer