હવે બોરીવલીની કૉલેજે પોલીસમાં નોંધાવી રસીકરણ અંગે ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : કાંદિવલી (પ.)માં આવેલી હીરાનંદાની હેરિટેજ બિલ્ડિંગમાં કોરોનાની રસી અનધિકૃત વ્યક્તિઓ દ્વારા આપવાનું પ્રકરણ ઉઘાડું પડયું પછી હવે બોરીવલી (પ.)ની આદિત્ય કૉલેજે પણ રસીકરણમાં ઠગાઈ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ કૉલેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોતાને શહેરની જાણીતી હૉસ્પિટલમાં વેચાણ ખાતાના ચીફ મૅનેજર તરીકે ઓળખાવતી વ્યક્તિએ ગત ત્રીજી જૂને રસીકરણનો કૅમ્પ યોજયો હતો. તેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કૉલેજના ટ્રસ્ટીઓના પરિવારજનોએ રસી લીધી હતી. કોરોનાની રસી લીધાનું પ્રમાણપત્ર મળવામાં વિલંબ થતાં અને કાંદિવલીની હીરાનંદાની હેરિટેજનું પ્રકરણ બહાર આપ્યા પછી આ કૉલેજ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કમસે કમ નવ સ્થળોએ અનધિકૃત રસી આપવાની શંકા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં અત્યાર સુધીમાં કમસે કમ નવ સ્થળોએ અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કોરોનાની રસી અપાયાનાં પ્રકરણો બહાર આવ્યાં છે. અત્યાર સુધી જે પ્રકરણો બહાર આવ્યાં છે તેમાં રસી લીધા પછી તેનું પ્રમાણપત્ર આપવામાં વિલંબ, કોવિન પોર્ટલ ઉપર ડાટા અપલોડ કરવામાં વિલંબ તેમ જ ડૉઝ લીધા પછી તેની સાઇડ ઇફેક્ટનો અભાવ જેવા મુદ્દા લગભગ સમાન હોવાનું જણાયું છે. ગત શુક્રવારે મનોરંજન ક્ષેત્રની અગ્રણી હસ્તી રમેશ તૌરાનીએ જણાવ્યું છે કે તેમની કંપનીના 365 જણને ગત ત્રીજી જૂને રસી અપાઇ હતી, પરંતુ તેના પ્રમાણપત્ર હજી મળ્યાં નથી.
કાંદિવલીના હીરાનંદાની હેરિટેજમાં રસી પાલિકાની પરવાનગી વિના અપાઈ હતી
મુંબઈ પાલિકાના વધારાના આયુક્ત સુરેશ કાકાણીએ હીરાનંદાની હેરિટેઝમાં રસી આપવાના પ્રકરણની તપાસનો અહેવાલ 48 કલાકમાં આપવાનો આદેશ વહીવટી તંત્રને આપ્યો હતો. તે તપાસને અંતે માલૂમ પડયું હતું કે રસી લેનારા 390માંથી માત્ર 120 જણને તે અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું 30મી મેએ રસી આપવાને બદલે 4.56 લાખ રૂપિયા રહેવાસીઓ પાસેથી લેવામાં આવ્યા હતા. જેઓને પ્રમાણપત્ર મળ્યા તેના ઉપર ત્રણ અલગ હૉસ્પિટલોનાં નામ હતાં. વાસ્તવમાં તે હૉસ્પિટલોનો રસીકરણ કૅમ્પ સાથે કોઈ સંબંધ નહોતો. ઉપરાંત રસી આપવા માટેનાં પ્રમાણપત્રો આપવા માટે યુઝર આઈ અને પાસવર્ડ ચોરીને પ્રમાણપત્ર આપાયાં હતાં. ઉપરાંત આ રસી મુંબઈ પાલિકાની પરવાનગી વિના આપવામાં આવી હતી. રસીનો જથ્થો પણ અનધિકૃત રીતે મેળવવામાં આવ્યો હતો. તેથી કાંદિવલી પોલીસે ભારતીય દંડ સંહિતા, માહિતી તંત્ર જ્ઞાન કાયદો અને રોગચાળા અધિનિયમની જોગવાઈ મુજબ ગુનો દાખલ કર્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer