દહાણુ પાસેના પ્રસ્તાવિત બંદર વિશે સમીક્ષા કરવાનો આદેશ

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં કેન્દ્ર સરકારની જંગી બંદર બનાવવાની યોજનાનો એક્ટિવિસ્ટો તથા પર્યાવરણ સંસ્થાઓ વિરોધ કરી રહ્યા છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં આપેલા એક ચુકાદાથી તેઓ ખુશ થઈ ગયા છે. ટ્રિબ્યુનલે કેન્દ્રના પર્યાવરણ અને વન મંત્રાલયના એક અૉફિસ મેમોરેન્ડમ સામે સ્ટે આપતા એક્ટિવિસ્ટો રાજી થયા છે. મંત્રાલયના અૉફિસ મેમોરેન્ડમમાં પોર્ટ્સ, હાર્બર્સ અને જેટિઝનું લિસ્ટિંગ કરાયું છે અને ડ્રાજિંગને નોન-ઈન્ડસ્ટ્રિયલ પ્રવૃત્તિ જાહેર કરાઈ હતી. 
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કહ્યું હતું કે ગયા વર્ષે જૂન મહિનામાં બહાર પાડવામાં આવેલો આ અૉફિસ મેમોરેન્ડમની પાંચ સભ્યોની એક વિશેષ સમિતિએ અભ્યાસ અને સમીક્ષા કરવાની જરૂર છે. આ વિશેષ સમિતિમાં સામુદ્રિક પર્યાવરણવિદ અને બાયોલૉજિસ્ટ હોવા જોઈએ. 
ફિશ વર્કર્સ યુનિયન, નેશનલ ફિશવર્કર્સ ફોરમ અને અન્ય બે અરજદારોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે દહાણુ તાલુકો પર્યાવરણની દૃષ્ટિએ એકદમ નાજુક છે અને આનો ઉલ્લેખ 1991ના સરકારી નોટિફિકેશનમાં પણ કરાયો છે. આને લીધે રેડ કેટેગરીવાળા ઉદ્યોગો અને વાઢવણ વિસ્તારના પ્રસ્તાવિત મેગા પોર્ટને મંજૂરી નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer