મુંબઈમાં અનલૉક સોમવારથી બેસ્ટ બસના પ્રવાસમાં વધુ છૂટ; લોકલ ટ્રેન માટે રાહ જોવી પડશે

મુંબઈમાં અનલૉક સોમવારથી બેસ્ટ બસના પ્રવાસમાં વધુ છૂટ; લોકલ ટ્રેન માટે રાહ જોવી પડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્ર સરકારે `બ્રેક ધ ચેન' હેઠળ બહાર પાડેલા આદેશમાં લૉકડાઉન જેવાં નિયંત્રણો માટે કોરોનાનો પૉઝિટિવિટીદર અૉક્સિજન બેડની અૉક્યુપન્સીના આધારે નવ નિયમો બહાર પાડયા છે. મુંબઈમાં કોરોનાનો પૉઝિટિવિટીનો દર 5.56 ટકા અને અૉક્સિજન બેડની અૉક્યુપન્સીનો દર 32.51 ટકા હોવાથી તે ત્રીજા સ્તર (લેવલ)માં આવે છે. આ સ્તરમાં તબીબી કેટલીક આવશ્યક સેવાઓ અને મહિલાઓને લોકલમાં પ્રવાસની છૂટની જોગવાઈ છે. જોકે, સ્થાનિક ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૉથોરિટીએ મહિલાઓને લોકલ ટ્રેનમાં પરવાનગી નકારી છે. આ આદેશ સાતમી જૂનથી અમલમાં આવશે.
તેથી કોલાબાથી દહિસર અને મુલુંડ સુધીના મુંબઈના વિસ્તારોમાં સ્તર (લેવલ) - ત્રણના નિયમો લાગુ પડશે તે અનુસાર રેસ્ટોરંટમાં કામકાજના દિવસોએ સાંજે ચાર વાગ્યા સુધી તેની ક્ષમતાના 50 ટકા ગ્રાહકોને ભોજન પીરસી શકાશે. બાદમાં માત્ર પાર્સલ કે હોમ ડિલિવરીની પરવાનગી રહેશે. આવશ્યક સેવા આપતી દુકાનો અને કચેરીઓ બધા દિવસ સાંજે ચાર વાગ્યા સુધી કામ કરી શકશે. બિનઆવશ્યક સેવા આપતી હોય એવી દુકાનો અને કચેરીઓ સપ્તાહમાં કામકાજના દિવસોએ સાંજે ચાર વાગ્યા સુધી કામ કરી શકશે. મૉલ, મલ્ટિપ્લેક્સ અને સિંગલ ક્રીન થિયેટર અને નાટયગૃહો શરૂ કરી નહીં શકાય. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગઈકાલે બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્તર-ત્રણનાં શહેરો માટે મેડિકલ અને કેટલીક આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમ જ મહિલાઓને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. જોકે, મુંબઈની ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અૉથોરિટીએ સામાન્ય મહિલાઓને લોકલમાં પ્રવાસની પરવાનગી નકારી છે. જોગિંગ અને સાઇકલિંગ માટે તેમ જ ખુલ્લાં મેદાનોમાં બધા દિવસોએ સવારે પાંચથી નવ વાગ્યા સુધી ફરવાની છૂટ અપાઈ છે. ખાનગી અૉફિસો કામકાજના બધા દિવસોએ સાંજે ચાર વાગ્યા સુધી કામ કરી શકશે. સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા હાજરી સાથે કામ કરી શકશે. સવારે પાંચથી નવ અને સાંજે છથી રાત્રે નવ વાગ્યા સુધી આઉટડોર સ્પોર્ટ્સની પરવાનગી અપાઈ છે. સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો કામકાજના દિવસોએ સાંજે ચાર વાગ્યા સુધી 50 ટકા ક્ષમતાએ યોજી શકાશે. લગ્ન સમારોહમાં 50 જણ ભાગ લઈ શકશે. જ્યારે અંતિમવિધિમાં મહત્તમ 20 જણ ભાગ લઈ શકશે. સહકારી સંસ્થા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ 50 ટકાની ક્ષમતાથી યોજી શકાશે. બાંધકામ પ્રવૃત્તિની પરવાનગી અપાઈ છે. કામદારોએ સાંજે ચાર વાગે સાઇટ છોડી દેવાની રહેશે. ઈ-કૉમર્સ અને સર્વિસીસ રાબેતા મુજબ ચાલુ રહેશે. જિમ્નેશિયમ, સલૂન, બ્યુટી સેન્ટર, સ્પા અને વેલનેસ સેન્ટરો 50 ટકા ક્ષમતાથી (એ.સી. વિના અને માત્ર એપોઇન્ટમેન્ટથી) સાંજે ચાર વાગ્યા સુધી કામ કરી શકશે. `બેસ્ટ' ઉપક્રમની બસોમાં બેઠકોની ક્ષમતાનો 100 ટકા ઉપયોગ કરી શકાશે. તેમાં પ્રવાસીઓને ઊભા રહેવાની પરવાનગી નહીં હોય. કાર્ગો (માલ સામાન)ની હેરફેર રાબેતા મુજબ ચાલુ રહેશે. સાંજે પાંચ વાગ્યા સુધી જમાવબંધી અને ત્યાર પછી સંચારબંધી અમલમાં રહેશે. આવશ્યક ચીજોના ઉત્પાદન એકમો, કન્ટીન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીસ, રાષ્ટ્રીય સલામતી અને સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી ચીજોને ઉત્પાદન એકમો તેમ જ ડાટા સેન્ટર/ ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર/ આઈટી સર્વિસ સપોર્ટિંગ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ ક્ષેત્રના ઉત્પાદન એકમો રાબેતા મુજબ કામ કરી શકશે. શેષ બધા ઉત્પાદન એકમો 50 ટકા સ્ટાફ સાથે કામ કરી શકશે. મુંબઈ પાલિકાના આયુક્ત ઇકબાલસિંહ ચહલ આ આદેશમાં ફેરફાર કરી શકશે.
પાંચ સ્તર કઈ રીતે હશે?
પહેલો સ્તર : પૉઝિટિવ રેટ પાંચ ટકાથી ઓછો તેમ જ અૉકિસજન બેડ્સ 25 ટકા કરતાં ઓછા ભરાયેલા હોય.
બીજો સ્તર : પૉઝિટિવ રેટ પાંચ ટકા તેમ જ અૉકિસજન બેડ્સ 25થી 40 ટકાની વચ્ચે ભરાયેલા હોય.
ત્રીજો સ્તર : પૉઝિટિવ રેટ પાંચથી દસ ટકાની વચ્ચે તેમ જ અૉકિસજન બેડ્સ 40 ટકા કરતાં વધુ ભરાયેલા હોય.
ચોથો સ્તર : પૉઝિટિવ રેટ દસથી વીસ ટકા વચ્ચે તેમ જ અૉકિસજન બેડ્સ 60 ટકા કરતાં વધારે ભરાયેલા હોય.
પાંચમો સ્તર : પૉઝિટિવ રેટ વીસ ટકા કરતાં વધુ તેમ જ અૉકિસજન બેડ્સ 75 ટકા કરતાં વધુ ભરાયેલા હોય.
માર્ગદર્શક સિદ્ધાંત
પહેલા સ્તર માટે : લોકલ ટ્રેન દ્વારા પ્રવાસ તેમ જ લગ્ન જેવા સમારંભો જેવા સુપરસ્પ્રેડર ઉપર અંકુશ મૂકો.
બીજા સ્તર માટે : બંધ જગ્યાઓમાં અને ખુલ્લી જગ્યામાં હાજરી ઘટાડો. સામૂહિક હેરફેર ઘટાડો.
ત્રીજા સ્તર માટે : સાંજે પાંચ વાગ્યા પછી, તેમ જ સપ્તાહમાં કામકાજના દિવસો અને વીકઍન્ડમાં અવરનવર શક્ય એટલી ઘટાડો.
ચોથા સ્તર માટે : આખા સપ્તાહમાં સાંજે પાંચ વાગ્યા પછી તાકીદના કામ સિવાય અવરજવરની પરવાનગી આપવી નહીં.
પાંચમા સ્તર માટે : મહત્ત્વના કે તાકીદના કામ સિવાય અવરજવરની પરવાનગી આપવી નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer