વિકાસની યોજના બનાવતી વખતે પર્યાવરણનું ધ્યાન રાખવું પણ જરૂરી : ઉદ્ધવ

વિકાસની યોજના બનાવતી વખતે પર્યાવરણનું ધ્યાન રાખવું પણ જરૂરી : ઉદ્ધવ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 5 : શનિવારે પર્યાવરણ દિનના અવસરે એક સમારંભમાં બોલતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ભારપૂર્વક કહ્યું હતું કે વિકાસની યોજના બનાવતી વખતે કુદરતના નિયમોનો વિચાર કરવો જરૂરી છે.  તેમણે કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ પર્યાવરણના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. કુદરતને નુકસાન પહોંચાડવાનાં પરિણામો આપણે જોયા છે એટલે વિકાસની યોજના બનાવતી વખતે કુદરતના નિયમોનો વિચાર કરવો જરૂરી છે. શહેરી વિસ્તારમાંથી હરિયાળી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે. 
તેમણે કહ્યું હતું કે ધરતીને આપણે વસુંધરા તરીકે પણ સંબોધીએ છીએ અને આપણે જમીનની ગણતરી ચોરસ ફૂટમાં કરતાં થઈ ગયા છીએ અને પછી ત્યાં એક બેડરૂમ કે બે બેડરૂમનો ફ્લૅટ બનાવવાની વાતો કરીએ છીએ. આવું જ કરતા રહીશું તો ડેવલપમેન્ટનો એજન્ડા વિનાશકારી પુરવાર થશે. કોરોનાને કારણે આજે આપણને અૉક્સિજનના મહત્ત્વની ખબર પડી છે. અમે મેડિકલ અૉક્સિજનનું ઉત્પાદન વધારવાની વ્યવસ્થા કરી છે. જોકે, જ્યાંથી આપણને કુદરતી રીતે અૉક્સિજન મળે છે એ વૃક્ષને આપણે કાપી રહ્યાં છીએ. મેન્ગ્રોવ્ઝને પણ બચાવવાની પણ જરૂર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer