બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની છ કોવિડ હૉસ્પિટલમાં વરસ દરમિયાન 89 હજારથી વધુ દરદીને સારવાર અપાઈ

મુંબઈ, તા. 5 : કોવિડ-19 મહામારીનો અસરકારક રીતે મુકાબલો કરવા મુંબઈ મહાપાલિકા સતત પ્રયાસ કરી રહી છે. 2020માં કોરોનાના શરૂઆતના સમયમાં કોવિડ સંક્રમિત દરદીઓને બેડ મેળવવામાં ભારે તકીફ પડતી હોવાથી હૉસ્પિટલની ક્ષમતા વધારવાનું જરૂરી હતું, પરંતુ ઓછા સમયમાં હૉસ્પિટલ બાંધી બેડની સંખ્યા વધારવી શક્ય ન હોવાથી પાલિકા ઉપલબ્ધ જગ્યાએ જમ્બો કોવિડ હૉસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો. એ મુજબ પહેલી કોવિડ સમર્પિત જમ્બો કોવિડ હૉસ્પિટલ વરલીના નેશનલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ ખાતે બનાવવામાં આવી. ત્યાર બાદ બીકેસી, ગોરેગામ, ભાયખલા, મુલુંડ અને દહિસર ખાતે કામચલાઉ કોવિડ માટેની હૉસ્પિટલ કાર્યાન્વિત કરવામાં આવી. કુલ 8915 બેડની ક્ષમતા ધરાવતી આ છ હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 89,206 દરદીઓને સારવાર આપવામાં આવી છે. એ માટે 1157 ડૉક્ટર્સ, 1137 નર્સ, 1180 વૉર્ડ બૉય્ઝ સહિત 4658 કર્મચારીઓ કાર્યરત છે. 
આ તમામ જમ્બો કોવિડ હૉસ્પિટલની વિવિધ કામગીરી મહાપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલના માર્ગદર્શન હેઠળ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગર) આશ્વિની ભિડે, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (સિટી) સંજીવ જયસ્વાલ, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર પી. વેલારાસુ અને એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઉપનગર) સુરેશ કાકાણી સંભાળી રહ્યા હતા. 
મુંબઈનાં વિવિધ છ સ્થળે કાર્યરત જમ્બો કોવિડ હૉસ્પિટલોમાં 597 બેડની ક્ષમતા ધરાવતી વરલી હૉસ્પિટલ 21 એપ્રિલ, 2020માં શરૂ થઈ અને અત્યાર સુધીમાં અહીં 9081 દરદીઓની સારવાર કરવામાં આવી છે. 
તો બીકેસી ખાતે 2328 બેડની ક્ષમતાવાળી જમ્બો કોવિડ હૉસ્પિટલ 18 મે, 2020ના શરૂ કરવામાં આવી હતી અને અહીં અત્યાર સુધીમાં 24,149 દરદીઓને સારવાર આપવામાં આવી છે. જ્યારે ગોરેગામની 2221 બેડ ધરાવતી જમ્બો કોવિડ હૉસ્પિટલમાં 21,637 કોવિડ પેશન્ટને સારવાર અપાઈ છે. ભાયખલા ખાતેની 1 જુલાઈ, 2020ના કાર્યરત થયેલી એક હજાર બેડની ક્ષમતાવાળી હૉસ્પિટલમાં કુલ 11,261 કોવિડના દરદીઓએ ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે. 
પૂર્વના ઉપનગર મુલુંડ ખાતે સરકારી કંપની રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ ખાતે બનાવાયેલી 1708 બેડની જમ્બો હૉસ્પિટલ 16 જુલાઈ, 2020ના કાર્યરત થઈ હતી. અહીં અત્યાર સુધીમાં 12,927 દરદીઓ સારવાર લઈ ચૂક્યા છે. જ્યારે પશ્ચિમના ઉપનગર દહિસર ખાતે 27 જુલાઈ, 2020ના શરૂ કરાયેલી 1061 બેડની હૉસ્પિટલમાં અત્યાર સુધીમાં 10,151 દરદીઓ સારવાર લઈ ચૂક્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer