અંધેરીનું લોખંડવાલા ડ્રગ તસ્કરો માટે હૉટસ્પૉટ બન્યું

મુંબઇ, તા. 5 : શહેરને ડ્રગ મુકત કરવા નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. એનસીબીને પોતાની તપાસમાં અંધેરી (પશ્ચિમ)માં લોખંડવાલા વિસ્તાર ડ્રગ પેડલરોનું હોટસ્પોટ અને મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આંકડા અનુસાર ગત ચાર મહિનામાં નોંધાયેલા ડ્રગ્સ કેસના 80 ટકા મામલા પશ્ચિમ ઉપનગરોના છે. જેમાં સૌથી વધારે 60 ટકા માત્ર લોખંડવાલા વિસ્તારના છે. બાકીના વીસ ટકા કેસ પૂર્વ ઉપનગર અને દક્ષિણ મુંબઇમાં નોંધાયા છે. 
અત્યારસુધી મુંબઇમાં 51 કેસ નોંધાયા છે જેમાં 17 કેસ લોખંડવાલાના છે. આ ઉપરાંત ગત ચાર મહિનાઓમાં 100થી વધારે ડ્રગ તસ્કરો અને પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી લગભગ 70 આરોપીઓની ધરપકડ પશ્ચિમ ઉપનગરમાંથી થઇ છે. જેમાં 35 લોખંડવાલાથી ઝડપાયા છે. ડ્રગ્સ કેસમાં મોટાં માથાંઓ જેલમાં છે અને હવે નાના પેડલરો થાણે, નાલાસોપારા, વસઇ અને વિરારથી છૂપી રીતે ડ્રગ્સ લાવી રહ્યા છે.  એનસીબીના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે લોકલ ડ્રગ પેડલર્સ ડ્રગ્સ માટે હવે નાઇજીરિયન ટોળકીની મદદ લઇ રહી છે. લોખંડવાલા અનેક નવોદિત સિતારાઓનું કેન્દ્ર છે, જે ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પ્રયાસ નિષ્ફળ થતાં તેઓ માનસિક તાણમાં નશીલા ડ્રગ્સના બંધાણી બની જતા હોય છે. આ વિસ્તાર હાઇ પ્રોફાઇલ તરીકે જાણીતો છે જ્યાં લોકો ડ્રગ્સ માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર હોય છે. 
પહેલી જૂને એનસીબીએ ડ્રગ તસ્કર હરીશ ખાનની બાંદરા, અંધેરી સહિત અન્ય વિસ્તારોમાં છાપેમારી બાદ ધરપકડ કરી હતી. એક અન્ય મામલે બીજી જૂને લોખંડવાલામાં વીસ વર્ષીય ડ્રગ પેડલરની ધરપકડ કરી તેની પાસેથી 157 ગ્રામ મેફાડ્રોન અને પંદર લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer